‘મુખ્યમંત્રી-શિક્ષણમંત્રી કે નામ પે દે દે બાબા ’ : ખાનગી શાળાઓના ફી વધારા સામે NSUIએ ભીખ માંગી

પોલીસ સાથે ઘર્ષણ : NSUIના પ્રમુખ સોલંકી સહિત 10 કાર્યકરોની અટકાયત

કોરોનાકાળમાં રાજકોટની 200 સહિત સૌરાષ્ટ્ર ઝોનની 900 જેટલી શાળાઓની ફીમાં 5 થી 10 ટકા સુધીનો વધારાની ફી નિયમન કમિટી (એફઆરસી) દ્વારા અપાયેલ બહાલી સામે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. આ સંજોગોમાં એનએસયુઆઈએ આજે ફી નિયમન કમિટી (એફઆરસી)ની કચેરી સામે મુખ્યમંત્રી-શિક્ષણમંત્રી કે નામ પે દે દે બાબા….ના નારાઓ લગાવી ભીખ માંગી આશ્ચર્યજનક વિરોધ કરેલ હતો.

એનએસયુઆઈના આ આશ્ચર્યજનક કાર્યક્રમને પોલીસે અટકાવતા કાર્યકરોને પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણ થવા પામેલ હતું. જો કે પોલીસે એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતનાં 10 કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. દરમિયાન આ મામલે એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી કોરોના વાઇરસની મહામારીના કહેરના કારણે લોકોના ધંધા-રોજગાર ઠપ્પ બની ગયા છે. શાળાઓના વિદ્યાર્થીઓનો ઓનલાઇન અભ્યાસ ચાલી રહ્યો છે

તેમ છતાં ફી નિયમન કમિટી દ્વારા રાજકોટની 200 સહિત સૌરાષ્ટ્ર ઝોનની 900 જેટલી ખાનગી શાળાઓની ફીમાં 5 થી 10 ટકા સુધીનો વધારો કરવાની બહાલી આપવામાં આવી છે જે યોગ્ય નથી. છેલ્લા ઘણા સમયથી ખાનગી શાળાઓ દ્વારા ફીના નામે વાલીઓને લૂંટવાનો પરવાનો મળ્યો હોય તેમ ફીના ઉઘરાણા મન ફાવે તે રીતે કરવામાં આવી રહ્યા છે. એફઆરસી કમિટી અને ખાનગી શાળાઓની મિલીભગતના કારણે શાળાઓની ફીમાં વધારો કરવાનો આ નિર્ણય લેવામાં આવેલ હોવાનો તેઓએ આક્ષેપ કર્યો હતો.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં સરકારે વિદ્યાર્થીઓની ફીમાં રાહત આપવી જોઇએ. તેના બદલે ફી વધારાનો બોજ વિદ્યાર્થીઓ અને વાલીઓ પર ઝીંકવામાં આવેલ છે. જે સહન થઇ શકે તેમ નથી. માટે આ ફી વધારાને રદ કરવા તેઓએ માગણી ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં એનએસયુઆઈના શહેર પ્રમુખ નરેન્દ્ર સોલંકી ઉપરાંત રવિ જીતીયા, નિલ રાજ ખાચર, બ્રિજરાજસિંહ રાણા, ભવ્ય પટેલ, હર્ષ બગડા, દેવેન્દ્રસિંહ જાડેજા, અમન ગોહીલ, આશિત સોંદરવા સહિતનાં જોડાયા હતા.

આ સમાચારને શેર કરો