Placeholder canvas

ગુસ્સો ફૂટયો: પક્ષમાં મારી હાલત નસબંધી કરાયેલા વરરાજા જેવી -હાર્દિક પટેલ

પક્ષમાં મને પ્રદેશ કોંગ્રેસની બેઠકમાં પણ આમંત્રણ અપાતું નથી તો કાર્યકારી પ્રમુખ જેવા હોદાનો શું અર્થ : નવી નિયુક્તિમાં પણ મને કંઇ પૂછાયું ન હતું : પ્રદેશ મોવડી મંડળ પર સીધો ઘા

ગુજરાતમાં એક તરફ આવી રહેલી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ફરી બેઠો થવા માટે અને પાટીદાર નેતા નરેશ પટેલ પક્ષમાં જોડાઈ તો નવું ટોનિક મળશે તેવી આશા રાખી બેઠો છે તે સમયે જ પાટીદાર અનામત આંદોલનના નેતા અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પોતાનો આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે, કોંગ્રેસમાં હું કાર્યકારી પ્રમુખ છું પરંતુ મને કોઇ બેઠકમાં હાજરી આપવા માટે કહેવાતું નથી અને મારી ઉપેક્ષા કરવામાં આવે છે.

હાલમાં જ સુપ્રિમ કોર્ટમાંથી ચૂંટણી લડવા માટેની મંજુરી મેળવનાર હાર્દિક પટેલએ આક્ષેપ કર્યો હતો કે, નશબંધી કરેલા દુલ્હા જેવી મારી હાલત છે. તેમણે કહ્યું કે, પક્ષમાં મારી ઉપેક્ષા કરવામાં આવે છે અને પક્ષમાં મારી સ્થિતિ એવા નવવિવાહિત દુલ્હા જેવી છે જેને નશબંધી કરવામાં આવી છે. મતલબ કે તેઓ પોતે મુક્ત રીતે કામ કરી શકતા નથી.

તેમણે કહ્યું કે, મને પ્રદેશ કોંગ્રેસની કોઇપણ બેઠકમાં આમંત્રણ આપવામાં આવતું કોઇ નિર્ણયો લેતા પૂર્વે મારી સલાહ પણ લેવામાં આવતી નથી તેથી આ પદનો શું મતલબ છે તે મને ખ્યાલ નથી. પક્ષમાં હાલ જ નવા સંગઠનમાં 75 મહામંત્રીઓ અને 25 ઉપાધ્યક્ષોની જાહેરાત કરવામાં આવી પણ મને કોઇ જાણ કરવામાં આવી નહોતી.

હાર્દિક પટેલે 2015માં પાટીદાર અનામત આંદોલન છેડ્યું હતું અને તેનો ફાયદો કોંગ્રેસને મળ્યો હતો. 2015ની સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસને મહાપાલિકા અને પંચાયતોમાં બેઠકો મળી હતી. અને મોટાભાગની જિલ્લા પંચાયતો કબજે કરી હતી. 2017માં કોંગ્રેસે 77 વિધાનસભા બેઠકો જીતી હતી તેનો ઉલ્લેખ કરતા હાર્દિકે કહ્યું કે, હું ટીવી પર જોઇ રહ્યો છું કે પક્ષ નરેશ પટેલને 2022ની ચૂંટણીમાં કોંગ્રેસમાં સામેલ કરવા પ્રયત્ન કરશે મને એ આશા છે કે 2027ની ચૂંટણીમાં તેઓ નવા પાટીદાર નેતાની તલાશ નહીં કરે. પક્ષમાં જે છે તેનો ઉપયોગ કરી શકતા નથી. તેમણે કહ્યું કે હાલમાં જ કાર્યકારી અધ્યક્ષ સહિતનાં પંજાબ કોંગ્રેસના નેતાઓ સોનિયાને મળ્યા હતા પરંતુ ગુજરાતમાં કાર્યકારી અધ્યક્ષને આ સન્માન મળતું નથી.

ગુજરાતમાં ધારાસભા ચૂંટણી પૂર્વે જે રીતે રાજકારણ ગરમાયું છે તેમાં આજે જ રાજકોટ કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ તથા બે કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે અને હાર્દિકે જે રીતે પક્ષમાં આક્રોશ વ્યક્ત કર્યો છે તે પછી તેને પણ આમ આદમી પાર્ટીમાં જવા માટેનું મેદાન તૈયાર કરી રહ્યા હોય તેવા સંકેત છે. ટોચના સુત્રોના જણાવ્યા મુજબ પાટીદાર નેતા નરેશ પટેલ પોતાના રાજકીય પ્રવેશ અંગે જે રીતે સમય વિતાવતા જાય છે અને નવી-નવી તારીખો આપે છે તેથી હવે તેઓ ખરેખર રાજકારણમાં પ્રવેશશે કે કેમ તે અંગેની નવી ચર્ચા ચાલુ થઇ છે અને જો તેઓ રાજકારણમાં ન આવે તો પણ પરદા પાછળ રહીને આમ આદમી પાર્ટીને મજબૂત કરવાનો પ્રયાસ કરી શકે છે. અને તેથી જ હાલ તેમની એડવાન્સ પાર્ટી તરીકે ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના નેતાઓ આપમાં જોડાઈ રહ્યા છે તો હાર્દિક પટેલ પણ પોતાનો નવો પક્ષ પસંદ કરે તેવી શક્યતા નકારાતી નથી.

અગાઉ જ ‘સાંજ સમાચાર’ દ્વારા સંકેત આપવામાં આવ્યા હતા કે, નરેશ પટેલ પોતે અલગ રીતે ભાજપનો મુકાબલો કરવા માગે છે જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને સાથે આવે પરંતુ કોંગ્રેસમાંથી આ ફોર્મ્યુલા પર વધુ રસ ન દાખવતા ભવિષ્યમાં આમ આદમી પાર્ટી ભણી નરેશ પટેલ ગુજરાતમાં ભૂમિકા બનાવે તેવી શક્યતા નકારાતી નથી અને હાર્દિક પટેલ જે રીતે હવે એન્ગ્રી યંગ મેનની ભૂમિકામાં છે તે પણ આમ આદમી પાર્ટીમાં જોડાય તો બીજી તરફ ગઇકાલે કોંગ્રેસના એક ધારાસભ્ય લલીત કગથરાએ જાહેરમાં ‘આપ’ના પ્રદેશ ઉપપ્રમુખ અને પેપર લીકેજ પ્રકરણને રાજ્યમાં ચમકાવનાર અને સરકાર માટે મુશ્કેલી ઉભી કરનાર યુવરાજસિંહ જાડેજાનો પક્ષ ખુલ્લેઆમ લીધો હતો અને તેમની તાત્કાલીક મુક્તિ કરવામાં નહીં આવે તો આંદોલન છેડવાની જાહેરાત કરી હતી તે પણ સૂચક છે.

કોંગ્રેસ પક્ષે હજુ સુધી યુવરાજસિંહ જાડેજા અંગે કોઇ સતાવાર વલણ લીધું નથી પરંતુ માનવામાં આવે છે કે ધીમે-ધીમે કોંગ્રેસના કેટલાક નેતાઓ ‘આપ’ સાથે ઇલુ-ઇલુનું ગ્રાઉન્ડ બનાવી રહ્યા છે અને તેના ભાગરુપે જ લલીત કગથરાએ ખાસ પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી. તો બીજી તરફ ઉપલેટા-કંડોરણાના ધારાસભ્ય લલીત વસોયાએ નરેશ પટેલ માટે પોતે બેઠક છોડવા તૈયારી બતાવી હતી. આમ 2017માં પાટીદાર વેવના કારણે જીતેલા અએક બાદ એક ધારાસભ્યો દ્વારા જે રીતે અલગ અલગ સંકેતો આપવામાં આવી રહ્યા છે તે પણ સૂચક છે. આગામી દિવસોમાં આ સીલસીલો આગળ વધશે તે નિશ્ચિત છે.

આ સમાચારને શેર કરો