Placeholder canvas

યુવતિની હત્યા કરી લાશ સળગાવી નાખી…

રાજકોટ: પડધરી નજીક યુવતિની હત્યા કરી લાશ સળગાવી નાખી હોવાનો બનાવ પ્રકાશમાં આવતા ખળભળાટ મચ્યો છે. મૃતદેહ મળ્યા બાદ પીએમમાં બનાવ હત્યાનો હોવાનું જણાતા ગુનો દાખલ થયો છે. ખામટા પાસેથી ખુલ્લી જગ્યામાં અર્ધ સળગેલું શરીર મળી આવ્યું હતું. મૃતદેહ આસપાસ સળગેલા લાકડા પણ પડ્યા હતા. રાજકોટ એસપી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ મૃતક અને આરોપીઓની ઓળખ કરવા ડીવાયએસપી કે.જી. ઝાલાની રાહબરીમાં પોલીસ સ્ટાફે શોધખોળ હાથ ધરી, રૂરલ એલસીબીએ પણ તપાસમાં ઝંપલાવ્યું છે.

મળતી વિગત મુજબ ગઈકાલે પડધરી પોલીસ મથકે એએસઆઈ ધર્મેશભાઈ લાવડીયાએ સરકાર તરફે એક ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ખામટા ગામની ધાર પર ભરતભાઇ નાનાલાલ વિરમગામાં(રહે. રાજકોટ)ની માલિકીની ખુલ્લી જગ્યામાંથી અજાણી આશરે 17થી 30 વર્ષની સ્ત્રીનો સળગેલી હાલતમાં મૃતદેહ પડ્યો છે. પોલીસે બનાવ સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

એફએસએલની ટીમે સ્થળ પરથી નમૂના લીધા હતા. રાજકોટ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ માટે મૃતદેહ ખસેડવામાં આવેલ જેમાં પીએમના પ્રાથમિક રિપોર્ટમાં ખુલ્યું હતું કે આ સ્ત્રીની હત્યા થઈ છે. જેથી કોઈ અજાણ્યા શખ્સોએ મહિલાની હત્યા કરી લાશ સળગાવી નાખી અથવા તો જીવતી હાલતમાં મહિલાને સળગાવી નાખી એ મુજબની ફરિયાદ નોંધાઇ હતી.આ ગુનામાં હત્યાની કલમ આઇપીસી 302 અને પુરાવાના નાશ કરવાની કલમ 201 લગાવાઈ છે.

આ સમાચારને શેર કરો