મોરબી ડ્રગ્સ કેસ : ૬૦૦ કરોડના ડ્રગ્સ કેસમાં ત્રણ આરોપીના ૧૨ દિવસના રિમાન્ડ મંજુર

ગુજરાત એટીએસે મોરબીના ઝીંઝુડા ગામમાંથી ૧૨૦ કિલો ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ ઇસમોને પકડી લીધા બાદ આજે આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા એટીએસ ટીમે ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે આરોપીઓને કોર્ટમાં રજુ કર્યા હતા ત્યારે કોર્ટે આરોપીઓના ૧૨ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિક્ષક કે. કે. પટેલની ટીમ દ્વારા જામનગર અને ખંભાળિયાના જબ્બાર જોડિયા તથા ગુલામ ભગાડ દ્વારા માદક પદાર્થનો જથ્થો પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે લાવી મોરબી જીલ્લાના ઝીંઝુડા ગામમાં કોઠાવાળા પીર દરગાહ પાસે આવેલ સમસુદિન હુશેનમિયા સૈયદ ઉર્ફે પીરજાદા બાપુના નવા બની રહેલ મકાનમાં જથ્થો રાખ્યો હોય જે બાતમીને પગલે એટીએસ ટીમ ત્રાટકી હતી જેમાં આરોપીના નવા બની રહેલ મકાનમાંથી ૧૨૦ કિલો હેરોઈનનો જથ્થો મળી આવતા ૬૦૦ કરોડની અંદાજીત કિમતનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી આરોપીઓ મુખ્તાર હુશેન ઉર્ફે જબ્બાર હાજી નુરમોહમ્મદ રાવ રહે જોડિયા જી જામનગર, સમસુદિન હુશેનમિયા સૈયદ રહે ઝીંઝુડા તા. મોરબી અને ગુલામ હુશેન ઉમર ભગાડ રહે સલાયા દેવભૂમિ દ્વારકા એમ ત્રણ ઇસમોને ઝડપી લેવાયા હતા
તપાસની કામગીરી પૂર્ણ કરીને મોડી સાંજના એટીએસ ટીમ આરોપીઓ અને ડ્રગ્સ સહિતના મુદામાલ સાથે મોરબી પહોંચી હતી જે આરોપીઓને મંગળવારે કોર્ટમાં રજુ કરવામાં આવતા મોરબી કોર્ટે ૧૨ દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવાનો આદેશ કર્યો છે જે રિમાન્ડ દરમિયાન ડ્રગ્સ કેસના મૂળ સુધી એટીએસ ટીમ પહોંચવા પ્રયાસ કરશે અને પાકિસ્તાની કનેક્શન ખુલ્યું છે તે દિશામાં આઈબી સહિતની ટીમો વધુ તપાસ ચલાવી આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરશે
