Placeholder canvas

LRDની ડિસેમ્બર-ફેબ્રુઆરીમાં શારીરિક પરીક્ષા યોજાયા બાદ માર્ચમાં લેખિત પરીક્ષા યોજાશે

ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળમાં હથિયારી/બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10459 જગ્યા સીધી ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓ આવી છે, જેમાંથી 9.46 લાખ અરજીઓ કન્ફર્મ થઈ છે. આગામી ડિસેમ્બર મહિનાની 1થી 10 તારીખ વચ્ચે શારીરિક પરીક્ષા યોજાવાની છે. આ અંગે લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું છે કે શારીરિક દોડની પરીક્ષા ડિસેમ્બરની 1થી 10 તારીખમાં શરૂ થશે, જે બે મહિના ચાલશે. ઉમેદવારોની શારીરિક પરીક્ષા પૂરી થતાં એક મહિનામાં જ લેખિત પરીક્ષા લેવાનું આયોજન છે, જેથી ઉમેદવારો અત્યારથી લેખિત પરીક્ષાની પણ તૈયારી કરતા રહે એ જરૂરી છે.

સંભવિત ત્રીજી લહેર પહેલાં પરીક્ષાઓ લેવાનું આયોજન
ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ લોકરક્ષક ભરતીના ઉમેદવારોની શારીરિક દોડની પરીક્ષા લેવામાં આવશે, જેના માટે ઉમેદવારો અત્યારે તનતોડ મહેનત કરી રહ્યા છે, પરંતુ સાથે સાથે તેમણે લેખિત પરીક્ષાની પણ તૈયારીઓ કરવી જરૂરી છે, કારણ કે શારીરિક પરીક્ષા બાદ તરત જ ટૂંકા સમયગાળામાં લેખિત પરીક્ષા લઈ આ ભરતી પૂરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ મારફત જણાવ્યું છે કે શારીરિક દોડની પરીક્ષા ડિસેમ્બરની 1થી 10 તારીખમાં શરૂ થશે, જે બે મહિના સુધી ચાલશે. ઉમેદવારોની શારીરિક પરીક્ષા પૂરી થતાં એક મહિનામાં જ લેખિત પરીક્ષા લેવાનું આયોજન છે, જેથી ઉમેદવારો અત્યારથી લેખિત પરીક્ષાની પણ તૈયારી કરતા રહે એ જરૂરી છે. કોરોનાનો પીક સમય શરૂ થાય એ પહેલાં જ પરીક્ષા લઈ લેવામાં આવે એ રીતે ભરતી બોર્ડ તૈયારીઓ કરી રહ્યું છે.

બોર્ડ પરીક્ષાઓને કારણે માર્ચના પહેલા વીકમાં જ લેખિત પરીક્ષા
આગામી મહિનાની શરૂઆતમાં શારીરિક પરીક્ષા લેવાશે, જે ફેબ્રુઆરી મહિના સુધી ચાલવાની છે અને એ પૂરી થયાના 30 દિવસમાં, એટલે કે માર્ચ મહિનાની શરૂઆતમાં જ લેખિત પરીક્ષા યોજાશે. માર્ચ મહિનામાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પણ છે, જેથી માર્ચના પહેલા અઠવાડિયામાં જ આ પરીક્ષા લેવાઈ શકે એવી પૂરી શક્યતા જણાઈ રહી છે.

આમ, ઉમેદવારો પાસે હવે શારીરિક પરીક્ષા માટે માત્ર 25 દિવસ અને લેખિત પરીક્ષા માટે 2 મહિના જેટલો જ સમય છે, જેથી દોડની સાથે સાથે વાંચવાની તૈયારીઓ પણ કરવી પડશે. ભરતીમાં પાસ થવા માટે ઉમેદવારોએ તનતોડ મહેનત કરવી પડશે, એવો સૂચક ઈશારો પણ કરવામાં આવ્યો છે, જેથી જે પણ યુવાન પોલીસમાં ભરતી થવા માગે છે તેણે આગામી ત્રણ મહિના માત્ર ભરતીમાં દોડ અને લેખિત પરીક્ષા પર જ ધ્યાન આપવું પડશે.

દોડના માર્ક્સની મેરિટમાં ગણતરી થશે
પુરુષ ઉમેદવારોએ પૂરા 25 માર્ક્સ લેવા માટે 20 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. વધુમાં 24થી 25 મિનિટની વચ્ચે જો દોડ પૂરી થશે તો માત્ર 10 જ માર્ક્સ મળશે. જ્યારે મહિલા ઉમેદવારોએ પૂરા 25 માર્ક્સ લેવા માટે 7 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. 9થી 9.30 મિનિટ વચ્ચે દોડ પૂરી કરનારને માત્ર 10 માર્ક્સ મળશે. એક્સ-સર્વિસમેને પૂરા 25 માર્ક્સ લેવા માટે 9.30 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. 12 અને 12.30 મિનિટ વચ્ચે દોડ પૂરી કરનારને માત્ર 10 માર્ક્સ મળશે. જેથી ઉમેદવારો જેટલા ઓછા સમયમાં દોડ પૂરી કરશે એટલા વધુ માર્ક્સ મળશે અને મેરિટમાં તેને ફાયદો થઈ શકે છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો