Placeholder canvas

ચોમાસુ હવે વિદાઇ લેવાની તૈયારી કરી રહ્યું છે. -અશોક પટેલ

ભારતમાંથી નૈઋત્ય ચોમાસાની વિદાઇ શરૂ થઇ હોય તેમ આજે દક્ષિણ-પશ્ર્ચિમ રાજસ્થાનમાંથી પાછુ ખેંચાયું છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવે માસાંત સુધી અમુક ભાગોમાં છૂટા છવાયા ઝાપટા તથા હળવો-મધ્યમ વરસાદ જ થવાની શક્યતા હોવાનું જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કહ્યું છે.

નૈઋત્ય ચોમાસાની વિદાય પ્રક્રિયામાં ત્રણ પરિબળોને લક્ષ્યમાં લેવામાં આવતા હોય છે, પ્રથમ જમીનથી દોઢ કિલો મીટરની ઉંચાઇએ એન્ટી સાયકલોનિક સરક્યુલેશન, બીજાુ પાંચ દિવસથી વરસાદ ન થયો અને ત્રીજાુ ભેજમુક્ત સ્વચ્છ વાતાવરણ રહેવું. આ ત્રણેય પરિબળો સર્જાઇ ચૂક્યા હોવાને કારણે દક્ષિણ-પશ્ર્ચિમ રાજસ્થાનમાંથી આજે ચોમાસાની વિદાય થઇ ગઇ છે. તેઓએ કહ્યું કે આગામી દિવસોના પરિબળો પર નજર કરવામાં આવે તો આવતા ચાર દિવસ બાદ ઉતરીય આંદામાનના દરિયા તથા આસપાસના વિસ્તારમાં અપર-એર સાયકલોનક સરક્યુલેશન સર્જાશે અને ત્યારબાદના એકાદ-બે દિવસમાં લો-પ્રેસરમાં પરિવર્તિત થશે.

આ સિવાય હાલમાં મહારાષ્ટ્ર તથા આસપાસના ક્ષેત્રમાં 3.1 કિ.મી.ના લેવલે અપરએર સાયકલોનિક સરક્યુલેશન છે જે ચારેક દિવસ ત્યાં જ કેન્દ્રીત રહેવાની સંભાવના છે. તા.25 સપ્ટેમ્બરથી 2 ઓકટોબર સુધીની આગાહી કરતા તેઓએ કહ્યું કે, સૌરાષ્ટ્રમાં 30મી સપ્ટેમ્બર સુધી અમુક ભાગોમાં છુટાછવાયા ઝાપટા તથા ક્યાંક હળવો વરસાદ શક્ય છે. મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં પણ આ દરમિયાન છુટાછવાયા ઝાટપા-હળવો-મધ્યમ વરસાદ શક્ય છે. સૌરાષ્ટ્ર કરતાં ગુજરાત રીજીયનમાં વરસાદની માત્રા વધુ રહી શકે છે.

આ સમાચારને શેર કરો