Placeholder canvas

વાંકાનેર: ગારીડા ગામે મળી આવેલ માનસીક રીતે અસ્થિર વૃદ્ધાનો પરીવાર સાથે મેળાપ કરાવ્યો.

વાંકાનેરના ગારીડા ગામ ખાતે એક અસ્વસ્થ વૃદ્ધાની જાણ થતા ૧૮૧ મહિલા અભયમ ટીમના સેજલ પટેલ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન તથા પાયલોટ પ્રદીપ ભાઈ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસમાં વૃદ્ધા માનસિક રીતે અસ્વસ્થ જોવા મળી આવતા અને વૃદ્ધા સાથે વાત કરતા જણાવ્યું કે તેઓને કોઈપણ જાતની પરિવારની હાલ માહિતી નથી જેથી વધુ તપાસ માટે એલ્ડરલાઈન ૧૪૫૬૭ સંપર્ક નો સંપર્ક કરવામાં આવ્યો હતો.

એલ્ડરલાઈન ૧૪૫૬૭ ના સિનિયર અધિકારી શીનુ થાયિલના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના એલ્ડરલાઈન ફિલ્ડ રીસ્પોન્સ ઓફીસર રાજદીપ પરમાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

આશરે ૬૫ વર્ષની ઉંમરના વૃદ્ધા માનસિક અસ્થિર હોવાથી ઘરેથી કહ્યા વગર નીકળી ગયા હતા. ત્યારબાદ રાહદારીના કોલથી ૧૮૧ તથા એલ્ડર લાઈન ૧૪૫૬૭ એ મળી વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરી તપાસ કરતા માહિતી મળી કે વૃદ્ધા વાંકાનેર તાલુકાના એક ગામડાના રહેવાસી છે જેઓ માનસિક અસ્થિર હોવાથી ઘરેથી નીકળી ગયા હતા.

તેમના પરિવારનો સંપર્ક થતા પરીવારમાં આશ્રય મળે તે માટે પુત્ર અને પરિવારનું કાઉન્સેલિંગ કર્યું હતું. વૃદ્ધાવસ્થામાં અસ્થિર માતાની સંભાળ રાખવાની તેમની જવાબદારીનું ભાન કરાવ્યું હતું તેમજ માતાનું જીવનમાં અમુલ્ય યોગદાન સમજાવીને માતાના જીવનના અંતિમ વર્ષોમાં સેવા કરવાની ફરજ સંતાનની હોવાનું સમજાવ્યું હતું. નિ:સહાય વૃદ્ધાને પરીવાર સાથે પુન: મિલન કરાવીને આશ્રય અપાવવાની આ સરાહનીય કામગીરી એલ્ડરલાઇન રાજદીપ પરમાર તેમજ ૧૮૧ મહિલા અભયમ મોરબી ટીમના સેજલ પટેલ જ્યોત્સનાબેન તેમજ પ્રદીપભાઈ દ્વારા કરવામાં આવી હતી.

કેન્દ્ર તથા રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ૬૦ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોના સુખી અને સ્વસ્થ વૃદ્ધત્વ માટે તમામ પ્રકારે મદદ પૂરી પાડવા હેલ્પલાઇન ૧૪૫૬૭ શરૂ કરવામાં આવી છે. આ માટે સવારના ૮ થી સાંજના ૮ વાગ્યા દરમ્યાન નેશનલ હેલ્પલાઈન ફોર સીનીયર સીટીઝન(એન.એચ.એસ.સી)નો સંપર્ક કરી શકાય છે.

આ સમાચારને શેર કરો