Placeholder canvas

માવઠાનું પણ ગુજરાતમાં મન લાગી ગયું લાગે છે ! 13 થી 18 ડીસેમ્બરે પાછી માવઠાની આગાહી…

લાગે છે કે માવઠાનું પણ મન ગુજરાતમાં લાગી ગયું હોય તેમ રાજયનાં અમુક ભાગોમાં આગામી 13 થી 18 ડીસેમ્બર દરમ્યાન ફરી કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલી મિચૌંગ વાવાઝોડું આંધ્ર પ્રદેશ અને તમિલનાડુના દરિયા કાંઠે ટકરાઈ ગયું છે. જેના કારણે ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.

એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજની અસર ગુજરાતના ભાગોમાં જોવા મળશે. જેથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે. ઉતર ભારતના પવનની અસર ગુજરાત સુધી થશે. આગામી 12 અને 13 ડિસેમ્બરના રોજ અરબ સાગરમાં હલચલ જોવા મળશે. જેના કારણે સિસ્ટમ સક્રિય થતાં આગામી 13 થી 18 ડિસેમ્બર દરમિયાન ફરીથી કમોસમી વરસાદની શક્યતા રહેશે.

આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં ભારે હિમ વર્ષા થશે અને એક પછી એક સિસ્ટમ સક્રિય થતી રહેશે. જેના કારણે ગુજરાતના હવામાનને પણ અસર થશે. આગામી જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો પણ ઠંડો રહેશે.

બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા નહીવત હોવાનું કહેવામાં આવ્યું છે. જો કે રાજ્યના એકાદ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. મિચોંગ વાવાઝોડાના કારણે ગુજરાતમાં પવનની દિશા બદલાઈ હોવાથી 2 દિવસ તાપમાનો પારો ગગડશે. જેના કારણે આગામી 2-3 દિવસ સુધી 15 થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

આ સમાચારને શેર કરો