Placeholder canvas

ભાવનગરના મથુરા જતા યાત્રિકો પર રાજસ્થાનમાં ટ્રક ફરી વળ્યો : 11ના મોત

બસ રીપેર થવાની રાહ જોતા લોકોને ઉડાવી ટ્રક ચાલક ફરાર : 20 ઘાયલ : હાઇ-વે પર ટ્રાફિક જામ : અમુક ઇજાગ્રસ્તોની હાલત હજુ ગંભીર


ભાવનગર જિલ્લાના યાત્રાળુઓને ઉત્તરાખંડમાં તાજેતરમાં જ જીવલેણ અકસ્માત નડયા બાદ આજે રાજસ્થાનમાં મથુરા જતા યાત્રિકોને કરૂણ દુર્ઘટના નડી છે. રીપેર થતી બસ બહાર ઉભેલા 10 અને બસમાં બેઠેલા એક યાત્રિકને ધસમસતા ટ્રકે ઉડાવતા તમામના મોત થયા છે. સવારે હાઇ-વે પર ચીચીયારી ગાજી હતી. પાંચ પુરૂષ અને છ મહિલાના મૃત્યુની જાણ થતા તળાજા પંથકના પરિવારોમાં શોક છવાયો છે. મથુરા જતા આ પરિવારજનોને સીધું કાળનું તેડુ આવી ગયું હતું.

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બુધવારે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક ટ્રકની અડેફેટે આવતા બસમાં સવાર ભાવનગર જિલ્લાના 11 લોકો મૃત્યુ પામ્યા છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે 20થી વધુ લોકો ઘાયલ હોવાની માહિતી મળી રહી છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. માહિતી અનુસાર આ બસ ગુજરાતના ભાવનગરથી ઉપડી હતી અને મથુરા તરફ જઈ રહી હતી.

યાત્રીઓથી ભરેલી આ બસ ગુજરાતથી મથુરા જઈ રહી હતી ત્યારે જયપુર-આગરા હાઈવે પર નદબઈ પોલીસ સ્ટેશનની હદમાં જયપુર આગ્રા નેશનલ હાઈવે પર હન્તરા પુલ નજીક બસ બગડી હતી. ડ્રાઇવરે ત્યારે બસને ઊભી કરી દીધી હતી અને તેનું રિપેરિંગ કરી રહ્યો હતો. ત્યારે એકાએક આવેલા એક ટ્રકે બસને ટક્કર મારી હતી જેના પગલે આ દુર્ઘટના સર્જાઈ હતી.

જેમાં 11 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. જ્યારે અમુક લોકો ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે. આ બસમાં 64 (57 મુસાફરો, ડ્રાઇવર કંડકટર અને રસોયા સાથે 7 લોકો) મુસાફર હતા તા. 12-9ના રાત્રે 9 વાગ્યાની આસપાસ પુષ્કરથી ગોકુળ-મથુરા જવા નીકળેલ હતા.

આજે સવારે 4 કલાકે અત્રા, દહેરા મુંદી પાસે તાલુકો નદબઇ જિલ્લો ભરતપુર, રાજસ્થાનમાં આ બનાવ બન્યો હતો. બસની ડિઝલ પાઇપ ફાટતા બસ ઉભી હતી. તે સમયે કેટલાક લોકો બસની પાછળ ઉભા હતા ટ્રક દ્વારા પાછળથી ટકકર મારતા બસની નીચે ઉભેલા 10 લોકો અને બસની અંદર પાછળની સીટમાં બેસેલ 1 વ્યકિત મળી કુલ 11 લોકોના મોત થયેલ છે અને 11 લોકો ઘાયલ થયેલ છે. ઇજાગ્રસ્ત વ્યકિતઓને 11 લોકોને આર.બી.એમ. હોસ્પિટલ ભરતપુર ખાતે દાખલ કરેલ છે.

ઉપરોકત તમામ લોકો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામના રહેવાસી છે. આ બસ બગડી ગઇ હતી જેથી તેને રિપેર કરવા માટે રસ્તાની એક બાજુ ઉભી રાખવામાં આવી હતી. તે દરમિયાન જ ટ્રેલરે બસને ટક્કર મારીને 20થી 25 ફૂટ ઘસેડી હતી. આ બસના અનેક મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ લોકો બસ રિપેર થતી હતી તેની સામેની બાજુ બેઠા હતા અને બસ બરાબર થઇ જાય તેની રાહ જોતા હતા. હાલ આ ગોઝારો અકસ્માત સર્જનાર ટ્રેલરનો ડ્રાઇવર ફરાર છે. પોલીસ આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી રહી છે.

મૃતકોના નામ
► અંતુભાઈ લાલજીભાઈ ગયાણી 55 વર્ષ
► નંદરામ ભાઈ મથુરભાઈ ગયાણી 68 વર્ષ
► લલ્લુભાઈ દયાભાઈ ગયાણી
► ભરતભાઈ ભીખાભાઈ
► લાલજીભાઈ મનજીભાઈ
► અંબાબેન જીણાભાઈ
► કંબુબેન પોપટભાઈ
► રામુબેન ઉદાભાઈ
► મધુબેન અરવિંદભાઈ દાગી
► અંજુબેન થાપાભાઈ
► મધુબેન લાલજીભાઈ ચૂડાસમા

આ સમાચારને શેર કરો