રાજકોટ: ફૂટબોલ રમતા મારવાડી કોલેજના વિદ્યાર્થીનું હાર્ટ-એટેકથી મોત
રાજકોટમાં રમતા રમતા મોત થયાની બીજી ઘટના બની છે, આ બીજી ઘટનામાં મૂળ ઓડિશાના વતની, હાલ ગાંધીધામ રહેતા અને રાજકોટની મારવાડી કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો વિવેકકુમાર ભાસ્કર નામનો વિદ્યાર્થી ગઈકાલે સાંજે 7:30 કલાકે મારવાડી કોલેજના કેમ્પસમાં ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમતો હતો. ત્યારે અચાનક બેભાન થઈ જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ અહીં સારવાર મળે એ પૂર્વે જ તેનું મોત થયું હતું.
ડોકટરોએ વિવેકકુમારનું મોત હાર્ટએટેકથી થયું હોવાનું જણાવ્યું હતું. મૃતક વિવેકકુમાર બે ભાઈમાં મોટો હતો, તેના પિતા નિવૃત્ત આર્મીમેન છે અને ગાંધીધામની એક કંપનીમાં નોકરી કરે છે. આ બનાવની જાણ થતાં તેઓ રાજકોટ દોડી આવ્યા હતા.