રાજકોટનો નામચીન બુટલેગર ફિરોજ સંધી ટંકારાના સરાયા નજીકથી ઝડપાયો.
ટંકારા : તાજેતરમાં મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં ગોડાઉનમા વિદેશી દારૂનો જથ્થો છુપાવનાર રાજકોટના નામચીન બુટલેગર ફિરોજ હાસમભાઈ મેણું ઉર્ફે ફિરોજ સંધી વિરુદ્ધ ગુન્હો નોંધાયા બાદ નાસતા ફરતા ફિરોજને ગઈકાલે મોરબી એલસીબી ટીમે ટંકારાના સરાયા ગામના બસસ્ટેન્ડ નજીકથી દેશી બનાવટની બંદૂક, કારતુસ અને મેગેજીન સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય મોરબી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા સહિતની ટીમ પ્રયત્નશીલ હતી જે દરમિયાન એલસીબી ટીમના હેડ કોન્સટેબલ સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, તથા પો.કોન્સ. નંદલાલ વરમોસ, વિક્રમભાઇ કુગસીયાને મળેલી બાતમીને આધારે ટંકારા તાલુકાના સરાયા ગામના બસ સ્ટેન્ડ નજીક દારોડો પાડી મોરબી તાલુકા પોલીસ મથકના ગુન્હામાં નાસતા ફરતા રાજકોટના નામચીન બુટલેગર ફીરોજ હાસમભાઇ સંધીને દેશી બનાવટની બંદૂક, 4 કાર્ટૂસ, મેગેજીન સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ફિરોજ સંધી રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જસદણ, પડધરી પોલીસ મથકના તેમજ મોરબી જિલ્લાના મોરબી તાલુકા પોલીસમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો હોય બન્ને પોલીસને જાણ કરવામાં આવી છે.