Placeholder canvas

બેડી પાસે બાઇકને આંતરી યુવક પર ત્રણ શખ્સોનો છરી અને ધોકાથી હુમલો

બેડી પાસે રિક્ષામાં ઘસી આવેલા ત્રણ શખ્સોએ બાઇકને આંતરી કોળી યુવક પર છરી અને ધોકાથી હુમલો કરી પગ ભાંગી નાંખ્યો હતો. બનાવમાં ઇજાગ્રસ્ત થતાં યુવકને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.

મળેલી માહિતી મુજબ વાંછકપર બેડીમાં રહેતાં અને ડ્રાઇવિંગનું કામ કરતાં સુરેશભાઈ કાનજીભાઇ પંચાસરા (ઉ.વ.25) ગતરોજ રાજકોટથી બેડી ગામે પરત ફરતાં હતાં ત્યારે કાગદડીના બસસ્ટેન્ડ પાસે હોટલે નાસ્તો કરવા ઊભા હતાં ત્યાંથી રાત્રે 12 વાગ્યાના આસપાસ ઘરે જવા માટે નીકળ્યો ત્યારે બેડી ગામના રોડ પર રિક્ષામાં આવેલા ભૂરો, કારીયો અને લાલો નામના શખ્સોએ બાઇકને આંતરી યુવક પર છરી અને ધોકાથી હિંચકારો હુમલો કરતાં તેનો પગ ભાંગી નાખ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બનાવ અંગે જાણ થતાં કુવાડવા રોડ પોલીસનો સ્ટાફે ઇજાગ્રસ્તનું નિવેદન નોંધી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી હતી. વધુમાં, ઇજાગ્રસ્તના સબંધીએ જણાવ્યું હતું કે, ત્રણ માસ અગાઉ સુરેશભાઈ સાથે માથાકૂટ થઈ હતી.જેમાં સામસામી ફરિયાદ થઇ હતી. જેનો ખાર રાખી હુમલો કર્યો હતો.

આ સમાચારને શેર કરો