Placeholder canvas

વાંકાનેર: લોડર નીચે આવી જતાં શ્રમિક પરિણીતાનું મોત

વાંકાનેર તાલુકામાં પેપરમીલના કારખાનામાં લોડર ચાલકે બેદરકારી પૂર્વક લોડર રિવર્સ લેતા શ્રમિક મહિલાને અડફેટે લીધી હતી અને ઘટના સ્થળે જ તેણીનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના પતિએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં લોડર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

જેમાં મૂળ રાજસ્થાનના વતની અને હાલ પંચાસીયા-અદેપર રોડ બ્રાઉનીયા પેપરમીલના કારખાનમાં કામ કરતાં ફરિયાદી કરણસીંહ રસીયા પટેલે જણાવ્યુ હતું કે, તારીખ ૧૫/૧૧/૨૦૨૨ના રોજ રણસીંહ અને તેમના પત્નિ સાગરદેવી બ્રાઉનીયા પેપરમીલમાં કામ કરતાં હતા. અને સવારે આશરે અગીયારેક વાગ્યાના સમયે સાગરદેવીપેપરમીલ અંદરના ગ્રાઉન્ડમાં નીચા વળી પ્લાસ્ટીકની પટ્ટી વિણતા હતા અને રણસીંહના સબંધી ગુમાનભાઇ જોગડાભાઇ કટારા પેપર મીલમાં લોડર વાહન ૨જીસ્ટર નંબર જી.જે-૩૬-એસ.૨૮૧૯ વાળુ ચલાવતા હતાં અને તેણે બેફીકરાઇથી તથા પુરઝડપે લોડર રીવર્સ લેતા સાગરદેવી લોડર નીચે આવી ગયા હતાં અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાં. જેને પગલે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

આ ફરિયાદના આધારે પોલીસે આઇ.પી.સી કલમ-૨૭૯, ૩૦૪(અ) એમ.વી.એકટ-૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો