લલિતભાઈ વસોયાએ CMને કહ્યું : જપ્ત થયેલા દારૂનો નાશ નહીં અન્ય રાજ્યમાં વેચાણ કરો.

તાજેતરમાં રાજકોટ પોલીસે વર્ષ 2022-23 દરમિયાન 4.94 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અને આ વિદેશી દારૂના જથ્થા ઉપર ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ મામલે આજે રાજકોટ જિલ્લાના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજુઆત કરી હતી કે, જપ્ત થયેલા દારૂનો નાશ નહીં અન્ય રાજ્યમાં વેચાણ કરો, આવકને પોલીસ વેલ્ફેરમાં જમા કરો

વધુમાં પૂર્વ ધારાસભ્ય વસોયાએ લેખિતમાં રજુઆત કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે. કાયદાના પાલન માટે ગુજરાતમાં દરેક પાર્ટીની સરકારે કાયદાનું કડક પાલન થાય એના માટે પ્રયત્ન કરે છે. આમ છતાં કરોડો રૂપીયાનો વિદેશી દારુ-બીયર ગુજરાત પોલીસ દ્વારા પકડવામાં આવી રહ્યો છે. ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે આપેલ આંકડા મુજબ 2020-21ના વર્ષમાં 215.62 કરોડનો વિદેશી દારૂ તથા 16.20 કરોડ રૂપિયાનો બીયરનો જથ્થો જપ્ત કરેલ છે.

વધુમાં જણાવ્યું હતું કે, સરકારી ધારા-ધોરણ મુજબ આ પકડાયેલ દારૂ-બીયરનો પોલીસ દ્વારા નાશ કરવામાં આવે છે. મારી આપને વિનંતી છે કે, દેશના મોટા ભાગના રાજ્યોમાં દારૂબંધી નથી ત્યારે દારૂ- બીયરની બીજા રાજ્યોમાં જાહેર હરાજીથી વેચાણ કરી જે રકમ મળે તે રકમ પોલીસ પરીવારના વેલ્ફેર ફંડમાં અથવા તો દેશની રક્ષા માટે શહીદ થતા જવાનોના પરીવારને મદદરૂપ થવા માટે વાપરવી જોઈએ. સરકાર જો આવો હિંમત ભર્યો નિર્ણય કરશે તો ગુજરાતની જનતા તેને આવકારશે તેવું જણાવ્યું હતુ.

આ સમાચારને શેર કરો