Placeholder canvas

ગાંધીનગર: એકતરફી પ્રેમમાં અંધ શખ્સે છરો બતાવી મહિલાનું અપહરણ કરવાનો પ્રયાસ…

ગાંધીનગરના સેકટર -4માં એક સંસ્થામાં સાથી મહિલા કર્મચારીનાં પ્રેમમાં અંધ બનેલા સેકટર – 7 નાં શખ્સે લગ્ન કરવા દબાણ કરી છરો બતાવી એક્ટિવા ઉપર અપહરણનો પ્રયાસ કરી શારીરિક છેડતી કરવાની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની ચૂકી છે. ત્યારે મહિલા પોલીસ સ્ટેશને ગુનો દાખલ થતાં જ પીઆઈ ઉન્નતિ પટેલે શખ્સની ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરના સેકટર – 27 માં રહેતી પરિણીત યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ હાલમાં સેકટર – 4માં એક સંસ્થામાં નોકરી કરે છે. જેનાં એક માસ પહેલા જ પ્રેમ લગ્ન થયા છે. અહીં તેની સાથે એક શખ્સ પણ નોકરી કરે છે. જેણે મિત્રતા કેળવી પરિણીતાને નાસ્તો કરવા લઈ જઈ ઈમોશનલ કરવાનો પ્રયત્ન કરતો હતો. જોકે પરિણીતાએ ફરિયાદમાં દાવો કરી વધુમાં ઉમેર્યું છે કે તે શખ્સની વાતો ઉપર બહુ ધ્યાન આપતી ન હતી.

જોકે શખ્સ હેરાનગતિ કરીને લગ્ન કરવા દબાણ કર્યા કરતો હતો. ગત તા.1/2/2023 ના રોજ સવારના આશરે સાડા આઠેક વાગ્યાના નોકરી જવા ઘરેથી નીકળી રહી હતી.એ વખતે શખ્સ સાયકલ લઈને એક્ટિવા પાસે ગયો હતો. અને મોબાઈલ ફોન લઇને નીકળી ગયો હતો. જેથી પરિણીતા ગ – 6 સર્કલ જઈને ઉભી રહી હતી.એ વખતે શખ્સ જઈને” તું મારી સાથે ચાલ, તારે મારી સાથે લગ્ન કરવાના છે” કહીને તેનો હાથ પકડી ખેંચતાણ કરવા લાગેલો. અને સાથે નહીં આવે તો તેણીના પતિને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નીકળી ગયો હતો. એટલે પરિણીતા તેનો ફોન લેવા એક્ટિવા લઈને પાછળ ગઈ હતી.


ત્યારે પણ શખ્સ તું મારી સાથે લગ્ન કરીશ તોજ મોબાઇલ પરત આપીશ અને તારા પતિને છોડીશ કહીને ઝપાઝપી કરી હતી.અને પરિણીતાને જમીન પર ઘસડી મો ઉપર દુપટ્ટો રાખી શારીરિક છેડતી કરવા લાગ્યો હતો. બાદમાં એક્ટિવા ઉપર સેકટર – 1ના તળાવે લઈ ગયો હતો.જ્યાં છરી બતાવી આખો દિવસ જોડે બેસાડી રાખી શારીરિક અડપલાં કરી સાંજે પરિણીતાને ઘરે જવા દીધી હતી.આ આખી ઘટના અંગે પરિણીતાએ તેના પતિને જાણ કરવાનું માંડી વાળ્યું હતું.

બાદમાં બીજા દિવસે તે ઓફિસે જતાં ફરીવાર શખ્સ લગ્ન માટે દબાણ કરવા લાગ્યો હતો અને ઓફિસથી છૂટ્યા પછી બેઝમેન્ટમાં બળજબરી કરી છરો બતાવીને એક્ટિવા ઉપર ઊંચકીને બેસાડવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. એ વખતે સિક્યુરિટીવાળા ભાઈ આવી જતાં છરો બેગમાં મૂકી દીધો હતો અને મારઝુડ કરવા લાગતા તેણીએ બુમાબુમ કરતા બે ત્રણ છોકરા દોડી આવેલા. જેથી શખ્સ એક્ટિવા લઈને ભાગી ગયો હતો.

જેની જાણ પરિણીતાએ તેના પતિને ફોનથી કરી દીધી હતી. તે દરમ્યાન શખ્સ પાછો એક્ટિવા લઈને આવેલો ફોસલાવી સાથે લઈ જવા પ્રયાસ કરવા લાગેલો. એટલામાં તેનો પતિ આવી પહોંચતા શખ્સ તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. જેનાં પગલે સંસ્થાના માલિક અન્ય એક વ્યક્તિ શખ્સની તરફેણ કરવા લાગ્યા હતા. આખરે પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પીઆઈ ઉન્નતિબેન પટેલે ગુનો નોંધી શખ્નની ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો