Placeholder canvas

રાજકોટ: પેડક રોડ પર રેસ્ટોરન્ટ સંચાલકની હત્યાની કોશિશ કરી…

રાજકોટના પેડક રોડ પર ન્યુ શક્તિ સોસાયટીમાં રહેતાં રેસ્ટોરન્ટ સંચાલક યુવાને રાતે શેરીના નાકે ટોળકી ભેગી કરીને બેસતાં બે શખસને ગાળો નહીં બોલવા સમજાવ્યા હતા. આથી આ બે શખસે પોત પોતાના પિતાને વાત કરી હતી. બાદમાં બન્ને શખસના પિતા રેસ્ટોરન્ટ પર આવ્યા હતા અને છરી-ધોકાથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં યુવાન લોહીલૂહાણ બન્યો હતો. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

હુમલામાં ઘવાયેલા પેડક રોડ ન્યુ શક્તિ સોસાયટી-4માં રહેતાં અને ઘર નજીક જ દૂર્ગા રેસ્ટોરન્ટ ચલાવતા હાર્દિક લાભુભાઇ કુગશીયાની ફરિયાદને આધારે જીણા વિઠ્ઠલભાઇ ગોહેલ, મગન વિઠ્ઠલભાઇ ગોહેલ, ધર્મેશ, ગૌરવ, હર્ષિલ અને શામજી વિરૂદ્ધ IPC 307, 323, 504, 143, 147, 148, 149, 135 મુજબ રાયોટિંગ-હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો છે.

હાર્દિક કુગશીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું પરિવાર સાથે રહું છું અને રેસ્ટોરન્ટ ચલાવુ છું. અમે બે ભાઇઓ છીએ અને એક બહેન છે. મંગળવારે રાતે સવા અગિયાર વાગ્યે અમારી શેરીના નાકા ઉપર જીણાભાઇનો એક અને મગનભાઇનો એક પુત્ર અન્ય શખસો સાથે બેઠા હતા. બધા ભેગા મળીને ગાળાગાળી કરતાં હોઇ મેં ત્યાં જઇને તેને અહીં ભેગા થઇને બેસવાની ના પાડી હતી અને ઠપકો આપ્યો હતો. બાદમાં હું મારા રેસ્ટોરન્ટ પર જઇને બેઠો હતો. ત્યારે રાતે સાડા અગિયારેક વાગ્યે જીણાભાઇ ગોહેલ હાથમાં છરી લઇને આવ્યા હતાં. તેની સાથે મગનભાઇ ગોહેલ ધોકો લઇને આવ્યા હતા,
આ બન્નેની સાથે ધર્મેશ, ગૌરવ, હર્ષિલ, શામજીભાઇ પણ હાથમાં ધોકા લઈને આવ્યા હતાં. મગનભાઇએ મને ‘તે કેમ અમારા છોકરાને ગાળો દીધી?’ તેમ કહી ગાળો ભાડી હતી. એ દરમિયાન જીણાભાઇએ છરીથી હુમલો કરી મને જાનથી મારી નાખવાના ઇરાદે એક ઘા છાતીની ડાબી બાજુએ મારી દીધો હતો. બીજો ઘા માથામાં વાગી ગયો હતો. ત્રીજો ઘા જમણા હાથે અને ચોથો ઘા વાસામાં મારી દીધો હતો. મગનભાઇએ ધોકાથી મને શરીરે આડેધડ માર માર્યો હતો. તેમજ બીજા શખસોએ પણ મારકૂટ ચાલુ કરી હતી. મેં બૂમાબૂમ કરતાં રેસ્ટોરન્ટમાં જમવા આવેલા અજયભાઇ મઠીયા અને મોહિતભાઇ વચ્ચે પડ્યા હતાં અને મને છોડાવ્યો હતો.

આ સમાચારને શેર કરો