ટંકારાના ધારાસભ્ય વિરુદ્ધ હાઇકોર્ટમા રીટ કરતા માજી ધારાસભ્ય લલિત કગથરા.
ટંકારા : ગુજરાત ધારાસભાની ચુંટણીના પરિણામો બાદ ટંકારા વિધાનસભા બેઠક પરથી ચૂંટણીમાં હારી ગયેલા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ હાઈકોર્ટમાં ઈલેક્શન પિટિશન ફાઈલ કરી ભાજપના વિજેતા ઉમેદવાર દુર્લભજી દેથરીયાએ સોગંદનામામાં અનેક ક્ષતિઓ રાખવાની સાથે ચૂંટણીપંચ સમક્ષ અનેક વિગતો છુપાવી હોવાનો આરોપ મુક્યો છે.
ટંકારા વિધાનસભા બેઠકમાં પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ ગુજરાત હાઇકોર્ટમાં રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ-૧૯૫૧ હેઠળ અરજી કરેલી છે. આ અરજીમાં રિટર્નિંગ ઓફિસર સહિત ચુંટણી પંચને પક્ષકાર બનાવેલા છે. લલિત કગથરાએ તેની અરજીમાં જણાવ્યું છે કે ટંકારા બેઠક પરથી વિજેતા ઉમેદવારના ફોર્મ સાથે જોડાયેલા સોગંદનામામાં અનેક ભૂલો હતી, તેના શિક્ષણ અંગે કોઈ સ્પષ્ટતા કરેલી નથી, તેમની મિલકત અંગે યોગ્ય માહિતી આપી નથી, તેની પાસે કાર હોવા છતાં તે દર્શાવી નથી, તેના ફોર્મમાં અનેક ખાના બાકી હતા. આ પ્રકારની અનેક ભુલો હોવા છતાં, રિટર્નિંગ ઓફિસરે તેના ફોર્મને રદ કર્યુ ન હતુ.
આ બાબતે રિટર્નિંગ ઓફિસરને રજૂઆત પણ કરી હોવા છતાં રજુઆત પરત્વે ધ્યાન આપવામાં આવ્યું ન હોવાનો આરોપ આ રિટ પીટીશનમા કરાયો છે.