skip to content

છેલ્લા ગ્રાન્ડ સ્લેમમાં સાનિયા હારી, રડી પડી:મેલબર્નમાં ભાવુક સ્પીચમાં આપી…

ભારતની ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝાનું છેલ્લું ગ્રાન્ડ સ્લેમ જીતવાનું સપનું બ્રાઝિલની જોડી લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસે રગદોળી નાખ્યું હતું. 36 વર્ષની સાનિયા અને 42 વર્ષીય રોહન બોપન્ના ઓસ્ટ્રેલિયા ઓપનની મિક્સ ડબલ્સની ફાઇનલમાં બ્રાઝિલના લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસ સામે હારી ગયા હતા. લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસની બ્રાઝિલની જોડી પ્રથમ વખત કોઈ ગ્રાન્ડ સ્લેમ જીતવામાં સફળ રહી છે.

ફાઈનલ મેચ બાદ જ્યારે સાનિયાને મેલબર્ન રોડ લેવર એરેનામાં ભાષણ માટે બોલાવવામાં આવી ત્યારે તે રડી પડી હતી. તેણે કહ્યું – આ ખુશીનાં આંસુ છે. 18 વર્ષ પહેલાં મેલબર્નમાં કરિયરની શરૂઆત થઈ હતી, એને પૂરી કરવા માટે મેલબર્નથી સારી જગ્યા બીજી કોઈ હોઈ શકે નહીં. મને અહીં ઘરની અનુભૂતિ કરાવવા બદલ આપ સૌનો આભાર.

તેણે લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસની બ્રાઝિલની જોડીને પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા અને કહ્યું હતું કે તે બંને ખૂબ જ સારી રીતે રમ્યાં. તેઓ જીતવા લાયક હતાં. તેણે તેની સાથે રમવા બદલ રોહન બોપન્નાનો પણ આભાર માન્યો અને કહ્યું કે તેણે રોહન સાથે પહેલી મિક્સ્ડ જોડી બનાવી. તેને 22 વર્ષથી ઓળખે છે. તે એક સારા પાર્ટનરની સાથે બેસ્ટ ફ્રેન્ડ પણ છે.

સાનિયા-બોપન્નાની જોડીએ પ્રથમ સેટ ટાઇબ્રેકમાં 6-7થી ગુમાવ્યો હતો. 54 મિનિટના સેટમાં સાનિયા-બોપન્નાએ શરૂઆતમાં પાછળ રહ્યાં બાદ વળતો સંઘર્ષ કર્યો, પરંતુ અંતે ટાઈબ્રેકમાં હારી ગયાં. આ જ બીજા સેટમાં પણ બ્રાઝિલની જોડીએ તેમને કમબેક કરવાની તક આપી ન હતી અને સેટ 6-2થી જીતી લીધો હતો.

સાનિયા મિર્ઝા પહેલાં જ નિવૃત્તિની જાહેરાત કરી ચૂકી છે. વર્ષની શરૂઆતમાં તેણે ટેનિસ વેબસાઈટ wtatennis.comને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 19 ફેબ્રુઆરીથી દુબઈમાં WTA 1000 ઈવેન્ટ તેની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. તે પછી તે નિવૃત્ત થઈ જશે.

આ સમાચારને શેર કરો