Placeholder canvas

જીરૂમાં તેજી: ભાવ ફરી 12000ને પાર…

♦ યાર્ડમાં ટમેટાનો રૂા.2100 નો નવો ભાવ નોંધાયો

♦ ખાદ્યતેલોના ભાવ પણ વધવા લાગ્યા.

દેશના મોટાભાગનાં ક્ષેત્રોમાં ચોમાસાના સારા-સંતોષકારક વરસાદ વચ્ચે પણ શાકભાજીથી માંડીને મસાલા કઠોળ સહીતની કૃષિ ચીજોમાં તેજી ધમધમતી હોવાનું ચિત્ર છે. આજે પણ કેટલીક ચીજોમાં ભાવ વધુ ઉંચકાયા હતા.

જીરૂમાં છેલ્લા છ માસથી રેકોર્ડબ્રેક તેજી છે. આઠ-દસ દિવસ પ્રત્યાઘાતી ઘટાડા બાદ ફરી તેજીએ માથુ ઉંચકયુ હોય તેમ આજે ફરી ભાવ 12000 ને આંબી ગયો હતો. રાજકોટ યાર્ડમાં 240 કવીન્ટલની અરાવકે 10900 થી 12000 નો ભાવ થયો હતો. જ્યારે વાંકાનેર યાર્ડમાં જીરાની 15 કવીંટલ આવક થઈ હતી અને નીચો ભાવ 8000 અને ઊંચો ભાવ 11900 નોંધાયો હતો. જ્યારે રાજકોટમાં લસણ, વરીયાળી, જેવી અન્ય કેટલીક ચીજોમાં પણ તેજી છે. શાકભાજીમાં પણ જોરદાર તેજી યથાવત છે.

માર્કેટ યાર્ડમાં ટમેટાનો ભાવ 2100 ના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો મરચા,કોથમરી, આદુ, ગુવાર વગેરેમાં પણ ભાવ વધારો હતો. બીજી તરફ ખાદ્યતેલોમાં ભાવ નવેસરથી વધવા લાગ્યાની સ્થિતિ છે.આજે સીંગતેલ, કપાસીયા તેલ, પામોલીન જેવા તેલો ઉંચકાયા હતા.

સીંગતેલને લાગે વળગે છે ત્યાં સુધી સીઝનનાં અંતિમ મહિના છે. વરસાદી માહોલમાં મગફળીની આવક ઘટી ગઈ છે. ભાવ વધી રહ્યા છે. અન્ય તેલોમાં વધઘટ વિદેશી માર્કેટ આધારીત થઈ છે. ચાલુ મહિનામાં જ સીંગતેલમાં નવો ઉંચો-રેકોર્ડ ભાવ જોવા મળે તો નવાઈ નહી ગણાય તેમ વેપારીઓનું કથન છે.

આ સમાચારને શેર કરો