Placeholder canvas

લે બોલો: ગુજરાતમાં ચૂંટણીના કારણે નહી પણ લોકોની બેદરકારીના કારણે કોરોના વધ્યો -CMરૂપાણી

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, શનિવારે સાંજે બહાર પડાયેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1565 કેસ નોંધાયા છે.

રાજ્યમાં ફરી એક વાર કોરોનાના દર્દીઓમાં જોરદાર ઊછાળો નોંધાયો છે, ત્યારે CM વિજય રૂપાણીએ આશ્ચર્યજનક નિવેદન કરતાં કહ્યું છે કે, ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે તે માટે ચૂંટણી જવાબદાર નથી. જો ચૂંટણીના કારણે સંક્રમણ વધ્યું  હોય, તો મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં ક્યાં ચૂંટણી હતી ? આમ છતાં, ત્યાં પણ કેસ વધ્યા છે. રૂપાણીએ આ પહેલાં કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું તે માટે સામાન્ય લોકોની બેદરકારી જવાબદાર છે. આમ રૂપાણી સરકારે સામાન્ય લોકોને જવાબદાર ગણાવીને હાથ ખંખેરી નાંખ્યા છે.

તેમણે દાવો કર્યો કે, રાજ્ય સરકારે અને ભાજપે પણ કાર્યક્રમો રદ કર્યા છે, પરંતુ બજેટ પસાર કરવું પડે તેમ હોવાથી વિધાનસભા ચાલુ રહેશે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારે કોરોના સામે લડવા માટે સંપૂર્ણ તૈયારી કરી છે અને લોકોએ પેનિક કરવાની જરૂર નથી  પરંતુ સાવચેત રહેવું જરૂરી છે. તેમણે અપીલ કરી કે નાગરિકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, ભીડના કરે તેમજ ઝડપથી વેક્સિન લઈ લે કેમ કે આપણી પાસે આ જ ઉપાય છે.

રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, સંક્રમણ વધતા વેક્સિનેશન આપવાનું રવિવારે પણ ચાલુ રહેશે. રાજ્ય સરકાર વતી નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે , ગૃહમાં જાહેરાત કરી હતી કે,  હાલ રાજ્યમાં 2500થી વધુ કેન્દ્ર પર વેક્સિનેશન ચાલુ છે અને રોજ દોઢથી બે લાખ લોકોને વેક્સિન અપાય છે. તેમાં હજુ પણ વધારો કરવામાં આવશે.

આ સમાચારને શેર કરો