Placeholder canvas

મોરબી: જયસુખ પટેલને ધરપકડનો ડર લાગ્યો, આગોતરા જામીન માંગ્યા: કાલે સુનાવણી

નિયમ મુજબ 28 જાન્યુઆરી સુધીમાં ચાર્જશીટ ફાઈલ કરવાનું થતું હોય, શુ તેમાં જયસુખ પટેલનું નામ હશે? આવા સવાલોની ચર્ચા શરૂ

મોરબી : મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા 130થી વધુ લોકોના મોત થયા હતા. આ કેસમાં ધરપકડ થશે તેવા ડરથી અંતે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલે આગોતરા જામીન અરજી કરી છે. જેના ઉપર આવતીકાલે કોર્ટ સુનાવણી હાથ ધરશે. આ ઘટનામાં 130થી વધુ લોકોનો જીવ ગયો હોય સદોષ માનવ વધની કલમો હેઠળ ગુનો નોંધાયા હતો. જે પછીથી ઓરેવાના સંચાલક જયસુખ પટેલ ફરાર છે. નિયમ મુજબ 28 જાન્યુઆરીમાં સુધીમાં ચાર્જશીટ ફાઈલ કરવાનું હોય, તેમાં જયસુખ પટેલનું નામ હશે કે કેમ? તેવા સવાલોની ચર્ચા શરૂ થઈ છે. પણ સૂત્રો જણાવી રહ્યા છે કે, પોલીસ 27 જાન્યુઆરી સુધીમાં જ ચાર્જશીટ ફાઈલ કરી શકે છે.

ગત 30 ઓક્ટોબર, 2022ના રોજ મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા 130થી વધુ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી ઓરેવા કંપનીના મેનેજર દીપક નવીનચંદ્રભાઈ પારેખ, દિનેશ મહાસુખરાય દવે, મનસુખ વાલજીભાઈ ટોપિયા, માદેવ લાખાભાઈ સોલંકી, પ્રકાશ લાલજીભાઈ પરમાર, દેવાંગ પ્રકાશભાઈ પરમાર, અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ અને મુકેશ ચૌહાણ એમ નવ આરોપીઓને ઝડપી લીધા હતા.

જે કેસમાં પોલીસે તપાસ માટે રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી અને ફર્ધર રિમાન્ડ અરજી કોર્ટે ફગાવી દેતા આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા હતા. પુલના ચોકીદાર, ટિકિટ કલેક્ટર, કંપનીના મેનેજર, પુલ રીપેર કરનાર લોકોની પોલીસે ધરપકડ કરી હતી પરંતુ જયસુખ પટેક સુધી પહોંચવામાં પોલીસના લાંબા હાથ પણ ટૂંકા પડ્યા છે.

આ તરફ હવે ચાર્જશીટ ફાઈલ કરવાની તારીખ પણ નજીક આવી ગઈ છે. જેના કારણે પોલીસે ચાર્જશીટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યારે ફરિયાદ નોંધાઇ ત્યારે પોલીસે એફઆઈઆરમાં પુલનું રીનોવેશન અને સંચાલન કરનાર કંપની તેને જ આરોપી દર્શાવ્યા હતા. કોઈ નામ વગર જ પોલીસે ફરિયાદ નોંધી હતી. જે પછી ઓરેવા કંપનીના મેનેજરની ધરપકડ થઈ હતી.

એટલે કે એફઆઈઆરમાં પણ જયસુખ પટેપ કે તેની કંપનીનું નામ નહોતું. હવે પોલીસ ચાર્જશીટ રજૂ કરશે તે કાગળોમાં ઓરેવા કંપની કે જયસુખ પટેલનું નામ હશે કે નહીં તે ચર્ચા છે. જોકે એ પહેલા જ ધરપકડનો ડર જયસુખ પટેલને હોવાનું અનુમાન લગાવી શકાય કારણ કે તેણે મોરબીની સેશન્સ કોર્ટમાં આગોતરા માટે જામીન અરજી કરી છે. આવતીકાલે કોર્ટ આ અરજી ઉપર સુનાવણી હાથ ધરવા મુદ્દત આપી છે.

આ સમાચારને શેર કરો