Placeholder canvas

માર્કેટ યાર્ડના ડિરેક્ટર જીતેન્દ્ર સખીયાએ ઝેર ગટગટાવ્યું: તબિયત ગંભીર

રાજકોટ જિલ્લાના દિગ્ગજ નેતાઓમાં જેમની ગણના થાય છે તેવા ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ તેમજ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન ડી.કે.સખીયાના પુત્ર તેમજ માર્કેટિંગ યાર્ડના હાલના ચેરમેન જીતેન્દ્ર સખીયાએ ગઈકાલે જંતુનાશક દવાની ચાર ટીકડી ખાઈ લઈને જીવન ટૂંકાવી લેવાનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અત્યારે જીતેન્દ્ર સખીયાને વોકહાર્ટ હોસ્પિટલમાં સઘન સારવાર આપવામાં આવી રહી છે પરંતુ તેમની તબિયત અત્યંત ગંભીર હોવાનું તબીબો જણાવી રહ્યા છે અને આગામી 72 કલાક તેમના માટે અત્યંત મહત્ત્વના છે તેવું પણ જાણવા મળી રહ્યું છે.

જાણવા મળ્યા પ્રમાણે જીતેન્દ્ર સખીયાએ ગતકાલે બપોરના અરસામાં 150 ફૂટ રિંગરોડ ઉપર આવેલા પોતાના રાજ રેસિડેન્સીમાં આવેલા નિવાસસ્થાને જ ઝેર ગટગટાવી લીધું હોવાનું ધ્યાન પર આવતાં પરિવારજનોએ બપોરે 12 વાગ્યાના અરસામાં ખાનગી વાહન મારફતે તેમને વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ પછી ઈમરજન્સીમાં તેમને સઘન સારવાર આપવાનું શરૂ કરાયું હતું અને ડૉક્ટરોની ટીમ ખડેપગે રાખી દેવામાં આવી હતી.

જીતેન્દ્ર સખીયાએ જંતુનાશક દવાની ચાર ટીકડી ખાઈ લીધી હોવાથી તેમને સીઆરપીટી ટ્રીટમેન્ટ મતલબ કે બ્લડ પ્યોરિફિકેશન અને બ્લડ ફિલ્ટર ચાલું કરવામાં આવ્યું છે. દવા પી લેવા પાછળનું સચોટ કારણ સામે આવી રહ્યું નથી પરંતુ ચર્ચાતી વિગતો પ્રમાણે જીતેન્દ્ર સખિયાને પારિવારિક સંબંધોમાં મનદુ:ખ રહેતું હોવાથી તેમણે આ પગલું ભર્યું હોઈ શકે છે. જો કે તાલુકા પોલીસે સાચું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો