Placeholder canvas

ખેડૂત ખુશ: નવા જીરાનો રેકોર્ડબ્રેક ભાવ બોલાયો !!

સૌરાષ્ટ્રમાં જીરાની આવક શરૂ ગઈ છે. ગોંડલ માર્કેટિંગયાર્ડમાં નવા જીરાનો રેકોર્ડબ્રેક ભાવ 43,551 બોલાયો છે. ગોંડલ માર્કેટયાર્ડના ઇતિહાસમાં સૌપ્રથમ પહેલીવાર આટલો ઊંચો ભાવ બોલાયો હતો. ગત વર્ષે નવા જીરાનો 36,001 ભાવ બોલાયો હતો.

સૌરાષ્ટ્રમાં પ્રથમ નંબર પર આવતા ગોંડલ માર્કેટિંગયાર્ડમાં ગઈ કાલે ખૂલતા બજારે માર્કેટયાર્ડ ખાતે ગોંડલયાર્ડના ઇતિહાસમાં જીરાનો હાઈએસ્ટ ભાવ રૂપિયા 43,551 બોલાયો હતો. ગોંડલ માર્કેટિંગયાર્ડમાં ગઇકાલે સવારે સૌપ્રથમ 80 કિલો જીરાની આવક જોવા મળી હતી. એમાં હરાજીમાં શ્રીફળ વધેરીને મુહૂર્તના નવા જીરાની હરાજી કરવામાં આવી હતી, જ્યાં સાણથલીના ખેડૂત અને જીરું ખરીદનાર યાર્ડના વેપારીને હાર પહેરાવી મીઠું મોઢું કરાવ્યું હતું અને નવા જીરાના મુહૂર્તના ભાવ 43,551 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા.

ગોંડલયાર્ડમાં 250 ગૂણી જીરાની આવક હતી, જેમાંથી 4 મણ નવું જીરું આવ્યું, એના મુહૂર્તના 20 કિલો જીરાનો ભાવ 43,551 સુધીનો સાણથલીના ખેડૂત અરવિંદભાઈ લાખાભાઈ ધડુક અને ભીખાભાઈ હરિભાઈ કચ્છીને મળ્યા હતા. યાર્ડમાં પરબઘણી એન્ટરપ્રાઇઝના વેપારી મેહુલભાઈ ખાખરિયાએ આ નવા જીરાની ખરીદી કરી હતી. ભાવ સારા મળતાં ખેડૂત અને વેપારીને હારતોરા કર્યા હતા અને પેંડા ખવડાવી મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું. નવા જીરાની હરાજી જોવા મોટી સંખ્યામાં વેપારી, દલાલો અને ખેડૂતો ઊમટી પડ્યા હતા, જીરાના સારા ભાવથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

આ સમાચારને શેર કરો