Placeholder canvas

મોરબી: પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત 100થી વધુ આગેવાનો ભાજપમાં જોડાશે.

મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નિમણુંકના વિરોધમા નારાજ થયેલ પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિ જેરાજ પટેલ સહિત 100થી વધુ કોંગી આગેવાનોએ રાજીનામા ફેંક્યા બાદ આજે મંગળવારે બપોરે 12.39 મિનિટના મંગલ મુહૂર્તમાં મોરબી કોંગ્રેસના 100થી વધુ આગેવાનો અમદાવાદ કમલમ ખાતે ભાજપનો કેસરિયો ધારણ કરશે.

મોરબીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોર ચીખલીયાની વરણી થતા નારાજ થયેલ જુના પીઢ કોંગ્રેસ આગેવાનોએ વિરોધ વ્યક્ત કરી પ્રદેશ પ્રમુખને થોકબંધ રાજીનામા મોકલી આપવા છતા પ્રદેશ નેતાગીરીએ કોઈ પ્રતિભાવ ન આપતા અંતે આજે મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, મહિલા કોંગ્રેસ પ્રમુખ રીટાબેન નિલેશભાઈ ભાલોડિયા, તાલુકા પંચાયત સદસ્ય ગીતાબેન કિશોરભાઈ બાવરવા, મનસુખભાઇ રબારી, ચેતનભાઈ એરવાડિયા, બરવાળા ગામના સરપંચ ભરતભાઇ બાવરવા તેમજ આખી પંચાયત બોડી સહિતના 100 જેટલા આગેવાનો ભાજપમાં જોડાવવાની જાહેરાત કરી અમદાવાદ કમલમ જવા રવાના થયા છે.

આ મામલે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલે જણાવ્યું હતું કે, પક્ષમાં રાજીનામા ધર્યા બાદ પણ કોઈ પ્રતિભાવ ન મળતા તમામ જુના કોંગ્રેસના આગેવાનોએ એક સાથે ભાજપમાં જોડાવવા નક્કી કર્યું છે અને મોરબીથી 22 ગાડી અને બે બસમાં 100થી વધુ પાયાના પથ્થર સમાન કાર્યકરો આજે અમદાવાદ કમલમમાં 12.39 મિનિટના વિજય મુહૂર્તમાં કેસરિયો ધારણ કરવા જઈ રહ્યા હોવાનું સતાવાર રીતે જાહેર કર્યું હતું અને આગામી દિવસોમાં મોરબી ખાતે કાર્યક્રમ યોજી નારાજ કાર્યકરોને ભાજપમાં પ્રવેશ કરાવવામાં આવનાર આવશે.

આ સમાચારને શેર કરો