જામકંડોરણા: શાહી લગ્નોત્સવમાં 156 નવદંપતીને આશીર્વાદ પાઠવવા મુખ્યમંત્રી સહિત સંતો મહંતો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
રાજકોટ : શહેરનાં જામકંડોરણા તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયા ભવ્ય સમૂહલગ્નનું આયોજન કરતા હતા. જે આ વર્ષે પણ તેમના પુત્ર અને મંત્રી જયેશ રાદડિયા દ્વારા પણ કાર્યરત રાખવામાં આવ્યું હતું. ગઇકાલે જામકંડોરણા ખાતે શાહી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય આયોજિત છઠ્ઠા શાહી લગ્નોત્સવમાં 156 નવદંપતીને આશીર્વાદ અને શુભકામના પાઠવવા મુખ્યમંત્રી સહિત અનેક સંતો મહંતો, સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સમૂહલગ્ન બાદ રાતે ખ્યાતનામ કલાકારોનો ભવ્ય ડાયરો પણ યોજાયો હતો. ડાયરામાં ખૂબ મોટી સંખ્યામાં મહેમાનો, સ્થાનિક લોકો તેમજ લેઉવા પાટીદાર સમાજના લોકો હાજર રહ્યા હતા. ડાયરામાં મંત્રી જયેશ રાદડિયા અને તેના ભાઈ પર લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. સૌરાષ્ટ્રની જે એક રીત ગણી શકાય તેમ ડાયરામાં રૂપિયાનો વરસાદ જોવા મળ્યો હતો. સમૂહલગ્નમાં એક લાખથી વધુ લોકો ઉમટ્યા હતા. જે રીતે શાહી સમૂહલગ્ન નામ હતું તેજ રીતે શાહી ઠાઠમાઠથી વિન્ટેજ કાર અને બગીમાં વરઘોડો પણ નીકળ્યો હતો. 5 જેટલા ડીજે પણ રાખવામાં આવ્યા હતા.
બીજી તરફ સમગ્ર સમૂહલગ્નનો કાર્યક્રમ વ્યવસ્થિત રીતે યોજાઈ તેના માટે 5 હજાર સ્વયંસેવકો કાર્ય કરી રહ્યા હતા. સમૂહલગ્ન હોવા છતાં પણ વર કન્યા પક્ષ ને ગમે તેટલા મહેમાન લઈ આવવાની છૂટ હતી. મહેમાનો સહિત તમામ ને એટલેકર 50 હજાર જેટલા લોકોની જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમૂહલગ્ન માં ખાસ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત સંતો મહંતો અને સમાજના આગેવાનોએ હાજરી આપી નવદંપતિ ને આશીર્વાદ આપ્યા હતા.