ટંકારા તાલુકા પંચાયત કચેરીમાં છતરના તલાટીએ ઝેરી ટિકડા ખાધા

By જયેશ ભટાસણા – ટંકારા
ટંકારા : ટંકારા તાલુકાના છતર ગામના તલાટી મંત્રીએ સોમવારે મોડી સાંજે તાલુકા પંચાયત કચેરીમાં ઝેરી ટિકડા પીને આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજી તરફ તલાટી મંત્રીએ ટીડીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કરી પોલીસ સમક્ષ પણ સ્ફોટક નિવેદન નોંધાવ્યું છે. સામાપક્ષે ટીડીઓએ આક્ષેપોને ફગાવ્યા છે.

પંચાયતી કર્મચારીઓમાં ચકચાર જગાવનાર આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે મોડી સાંજે ટંકારા તાલુકા પંચાયત કચેરી ખાતે છતર ગામના તલાટી કમ મંત્રી દિલીપ પાલરિયા આવ્યા હતા. અને કચેરીની લોબીમા આવીને ખિસ્સામાંથી ઝેરી દવાના ટીકડા કાઢીને ગટગટાવી લીધા હતા. દવા પીધા બાદ ટીડીઓને પોતે દવા ગટગટાવી હોવાની જાણ કરી હતી. તલાટીએ દવા પીધાની જાણ થતા તાબડતોબ ટંકારા સરકારી હોસ્પિટલમાં ત્યાથી મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા.

વધુમાં સુત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે છતર ગામના તલાટીએ ગામડાંમા કોઈ જમીન પ્રકરણમાં ગામ નમુના નં-૨ મા નોંધ પાડી રેકર્ડમા ચેડાં કરવા અને ઈન્ચાર્જ સરપંચની બનાવટી સહીઓ કરી અનેક ઉદ્યોગોને બારોબાર બાંધકામ સહિતની મંજૂરીઓ આપી દીધાની લેખિત ફરિયાદ કરતા આવુ પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે.

બીજી તરફ સારવાર હેઠળ રહેલા તલાટીએ પોલીસ સમક્ષ ચોંકાવનારૂ નિવેદન નોંધાવ્યું હોવાનું અને ટંકારા તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલા હપ્તા માંગતા હોવાનું તેમજ ભ્રષ્ટાચાર કરવા દબાણ કરતા હોવાનું જણાવી અરજદારો પાસે ખોટી ફરિયાદ કરાવી રોજરોજ કચેરીમાં સાંજ સુધી બેસાડી રાખે છે ઉપરાંત ઈચા. સરપંચનો પતિ ફરિયાદ કરવાની ટેવવાળો છે. જે માનસિક ત્રાસ આપતા આ પગલું ભર્યાનું જણાવ્યું હતુ.

દરમિયાન ટંકારા ટીડીઓએ આ ચકચારી બનાવ અંગે જણાવ્યું હતું કે, છતરના સરપંચના પતિએ ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરતા પોતાને ફરિયાદની તપાસ કરવા ડીડીઓએ લેખિત હુકમ કર્યો હતો અને તે અનુસંધાને સોમવારે તલાટીને રેકર્ડ સાથે હાજર થવા જણાવતા તેઓ રેકર્ડ રજૂ કરવાને બદલે સીધા જ પોતે ઝેરી દવા પી લીધાની કેફીયત આપતાં તેમને તાબડતોબ સ્ટાફને જાણ કરી હોસ્પિટલ ખસેડયા હતા. જે આરોપો લાગ્યા એ ખોટા હોવાનું તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલાએ અંતમાં જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •