સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અમે નહીં તો અમારા ! ઉચ્ચશિક્ષણ જગતમાં નવા રાજકીય સમીકરણો

સતત વિવાદમાં ઘસડાતી રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નાક નેક પીયર ટીમે છીનવી લીધા બાદ આ વિશ્ર્વ વિદ્યાલય રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સતત ચર્ચાનો કેન્દ્ર બની રહી છે. યુનિવર્સિટીમાં હવે આગામી સેનેટ અને સીન્ડીકેટની ચૂંટણીમાં નો-રિપીટ થીયરીને અનુસરીને નવા ચહેરાઓને સ્થાન આપવા માટેનો તખ્તો ભાજપ દ્વારા ગોઠવવામાં આવી રહ્યો છે. પરંતુ આ નો-રિપીટ થિયરીમાં પણ છટકબારી રાખવામાં આવી હોય તેમ નેતાઓના સંતાનો જ યુનિવર્સિટી સત્તા મંડળમાં ગોઠવાઈ તેવા સમીકરણોએ આકાર લેવાનું શરુ થયું છે.

જેમાં રાજ્યનાં પૂર્વ શિક્ષણમંત્રી વસુબેન ત્રિવેદીના પુત્ર દક્ષને સેનેટ સભ્ય બનાવવા માટે તેમનું નામ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે પોતાના વેરાવળસ્થિત એગ્રીકલ્ચરલ ટ્રસ્ટમાંથી દાતાના પ્રતિનિધિ તરીકે આ વિશ્ર્વ વિદ્યાલયમાં મોકલેલ છે. અહીં એ ઉલ્લેખનીય છે કે સેનેટની દાતાની ત્રણ બેઠકો ઉપર દાવેદારી માટે આ વખતે ઉમેદવારોની ભારે હોડ જામી છે. દાતાની ત્રણ બેઠકો છે. જેમાંથી એક બેઠક ઉપર કોંગ્રેસના આગેવાન નિદત બારોટ દાવેદારી નોંધાવનાર હોવાની ચર્ચા છે

જ્યારે અન્ય બે બેઠકો ઉપર ભાજપમાંથી અનેક મૂરતીયાઓના નામો ચર્ચાઈ રહ્યા છે. જેમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના પુત્ર મનીષ સંઘાણી, તેમજ જ્યોતિન્દ્ર મહેતાના પુત્ર રાહુલ મહેતાનું નામ ઉપસી રહ્યું છે. આ ઉપરાંત આ બે બેઠકો ઉપર ભાજપના વર્તમાન સીન્ડીકેટ મેમ્બર ભાવીન કોઠારી, નેહલ શુક્લ, ભરત રામાનુજ, ગિરીશ ભીમાણીના નામો પણ ચર્ચાઇ રહ્યા છે.

દાતાની બેઠક ઉપરથી ચૂંટણી લડવા માટે ભાજપમાંથી અનેક મૂરતીયાઓએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, ગત વખતે દાતાની બેઠક ઉપર પૂર્વ કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે નેહલ શુક્લનું નામ મોકલ્યું હતું. જ્યારે આ વખતે પૂર્વ શિક્ષણમંત્રી વસુબેન ત્રિવેદીના પુત્ર દક્ષ ત્રિવેદીનું નામ મોકલેલ છે. આ પ્રકરણે યુનિવર્સિટીમાં તરેહતરેહની ચર્ચા જગાવી મૂકી છે.

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે તાજેતરમાં રાજકોટની લીધેલી મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ નો-રિપીટ થીયરી લાગુ કરવા માટે આડકતરી રીતે ઇશારો કરી દીધો હતો. જેને લઇને હવે આગામી માર્ચ-એપ્રિલ 2022માં યોજાનાર સેનેટની ચૂંટણીમાં નવા ચહેરાઓને સ્થાન આપવા માટે ભાજપમાં અંદરખાને કવાયત શરુ થવા પામી છે. પરંતુ, હવે નો-રિપીટ થિયરીમાં પણ જે યુવા ચહેરાઓના નામો બહાર આવી રહ્યા છે તેના પરથી એવું પ્રતિત થઇ રહ્યું છે કે નો-રિપીટ થિયરીમાં પણ હવે યુનિવર્સિટી સત્તા મંડળમાં નેતાઓના સંતાનો જ વારસદાર થાય તેવો તાલ સર્જાવા પામ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેટલાક અધ્યાપકોનું જાતીય સતામણી પ્રકરણ, તેમજ અધ્યાપકોનું ભરતી કાંડ, નવા કર્મચારીઓની ભરતીમાં સગાવાદ અને લાગવગશાહી સહિતનાં પ્રકરણને લઇ આ યુનિવર્સિટીની આબરુ ધૂળધાણી બની રહી છે. ત્યારે આ વખતે સેનેટ અને સીન્ડીકેટની ચૂંટણીમાં સાફસૂફી થવાના એંધાણ મળી રહ્યા છે. પરંતુ નો-રિપીટ થીયરીમાં અમુક નેતાઓના સંતાનો જે નામ ઉપસી રહ્યા છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે, યુનિવર્સિટીમાં હવે નવા સમીકરણો રચાશે પણ આ નવા સમીકરણોમાં ‘કહી પે નિગાહે, કહી પે નિશાના’ જેવો તાલ સર્જાવા પામેલ છે જે ઉચ્ચ શિક્ષણ જગતમાં ભારે ચર્ચાનો વિષય બની રહેવા પામેલ છે.

આ સમાચારને શેર કરો