આફતના એંધાણ: માવઠાની સાથે હવે ‘જવાદ’નો ખતરો, ગુજરાત માટે આવતી કાલ ‘ભારે’

ગુજરાત-મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં હવામાન પલ્ટા સાથે માવઠા શરુ થયા છે ત્યારે આંધ્રપ્રદેશ અને ઓડિસા જેવા રાજ્યોમાં ફરી વખત વાવાઝોડાનો ખતરો સર્જાયો છે. શનિવાર સવાર સુધીમાં આ બેંને રાજ્યોને વાવાઝોડુ ‘જવાદ’ ધમરોળે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.
બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા લો-પ્રેસરને કારણે આંધ્રપ્રદેશ તથા ઓડિસા પર વાવાઝોડાનો ખતરો સર્જાયો છે. 4 ડીસેમ્બરે અર્થાત શનિવાર સુધીમાં આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઇને આંધ્રપ્રદેશ તથા ઓડિસાના દરિયાકાંઠે પહોંચી શકે છે. આ વાવાઝોડા સિસ્ટમને ‘જવાદ’ નામ આપવામાં આવ્યું છે. સિસ્ટમ મજબૂત થવા સાથે વાવાઝોડામાં પરિવર્તિત થવાની આશંકાને પગલે હવામાન વિભાગ દ્વારા માછીમારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને બંને રાજ્યોના સમુદ્ર કિનારે વસતા લોકોને સ્થળાંતરની સલાહ આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલી સિસ્ટમને કારણે બંને રાજ્યોમાં આવતા ચાર દિવસ સુધી એકધારો ભારે વરસાદ
વરસવાની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન ખાતાએ રિપોર્ટમાં જણાવ્યું છે કે, થાઈલેન્ડ તથા આસપાસના વિસ્તારોમાં આજે સવારે લો-પ્રેસર સિસ્ટમ બની હતી જે આવતા 12 કલાકમાં આંદામાનના દરિયામાં પહોંચવાની શક્યતા છે ત્યાંથી પશ્ર્ચિમ-ઉત્તર પશ્ર્ચિમ તરફ આગળ વધીને આવતીકાલ સુધીમાં દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના મધ્ય ભાગમાં પહોંચી જશે અને શનિવાર સુધીમાં આંધ્રપ્રદેશ તથા ઓડિસાના દરિયાકાંઠા વિસ્તારમાં ટકરાવાની સંભાવના છે. આ સિસ્ટમને કારણે ઓડિસાના દરિયાકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પણ શક્યતા છે.
2 ડિસેમ્બરે ગુજરાતમાં પડી શકે વરસાદ
ગુજરાત માટે 2 ડિસેમ્બર ભારે છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આંધ્ર અને ઓડિશાના જવાદ વાવાઝોડાને પગલે ગુજરાતમાં 2 ડિસેમ્બરે વરસાદ પડી શકે છે. બીજી ડિસેમ્બરે ગુજરાત અને ઉત્તરી મધ્ય મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે.
