ગ્રામ પંચાયત ચૂંટણીઓમાં ઉમેદવારે હવે સાદા કાગળ ઉપર એકરારનામુ જ આપવું પડશે

પ્રથમ વર્ગનાં મેજીસ્ટ્રેટ અથવા નોટરી સમક્ષ સોગંદનામાની જરૂર નથી

હાલમાં રાજયભરમાં આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણી અનુસંધાને સભ્યો અને સરપંચોનાં પદ માટે ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે.

બરોબર ત્યારે જ રાજયનાં ચૂંટણી આયોગ જિલ્લા ચૂંટણી અધિકારીઓને પરિપત્ર બહાર પાડી જણાવવામાં આવ્યું છે કે રાજય ચૂંટણી આયોગના સંદર્ભ દર્શિત પત્રના પારા-1થી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના હોદા માટે કે ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ઉમેદવારી કરતા ઉમેદવારોની ગુનાહિત ભુતકાળ તેમજ મિલત દેવા-શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવારીપત્રના સબંધિત ભાગમાં ઉમેદવારીપત્ર ચૂંટણી અધિકારીને આપતી વખતે ઉમેદવારે પ્રથમ વર્ગના મેજીસ્ટ્રેટ અથવા નોટરી સમક્ષ કરવાના થતા સોગંદનામા બદલે નિયત નમુનામાં સાદા કાગળ પર એકરારનામુ કરવાની સુચના આપવામાં આવે છે તેમજ ઉમેદવારીપત્ર ચકાસણી કરવાની તારીખના રોજ સોગંદનામાના બદલે નિયત નમુનામાં સાદા કાગળ ઉપર રજુ કરવામાં આવેલ એકરારનામામાં જો કોઇ ક્ષતિ રહી ગયેલ હોય તો ઉમેદવાર સુધારેલ એકરારનામુ રજુ કરી શકશે.

આ ઉપરાંત ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચના હોદા માટે અને ગ્રામ પંચાયતોના સભ્ય તરીકે ઉમેદવારી કરતા ઉમેદવાર દ્વારા ભાગ-8માં દર્શાવેલ નમુનામાં સોગંદનામાને બદલે એકરારનામુ ગુનાહિત ભુતકાળની વિગતો માટે કરવાનું થાય છે.

ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચના હોદા માટે અને ગ્રામ પંચાયતોના સભ્ય તરીકે ઉમેદવારી કરતા ઉમેદવાર દ્વારા ભાગ-9માં દર્શાવ્યા અનુસાર જંગમ મિલકત દેવા શૈક્ષણિક લાયકાત અનુસંધાને સોગંદનામાને બદલે એકરારનામુ કરવાનું થશે.

ગ્રામ પંચાયતની ચૂંટણીઓની પ્રક્રિયાની વહીવટી મુશ્કેલી નિવારવાના હેતુસર ઉમેદવારીપત્રના નમુના-4નો ભાગ-2 ભરવો જરૂરી બનતો નથી. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દરખાસ્ત કરનારની જ જરૂર રહે છે. 9 ટેકેદારોની જરૂર રહેતી નથી.

આ સમાચારને શેર કરો