ગુજરાત

પાટણમાં પ્રેમપ્રકરણમાં યુવકને જાહેરમાં છરીના ઘા મારી રહેંસી નાખ્યો.

પાટણમાં પ્રેમપ્રકરણમાં યુવકને જાહેરમાં છરીના ઘા મારી રહેંસી નાખ્યો હતો. બે દિવસ પહેલાં 15ના ટોળાએ યુવકના ઘરે જઈ માતાને ઉપાડી જવાની ધમકીઓ આપી. એ બાદ ગઈકાલ રાત્રે મમ્મી હું મિત્ર જોડે જઉં છું, 10 મિનિટમાં જ આવી જઈશ, કહીને નીકળેલો રાહુલ રોડ ઉપર લોહીથી લથપથ હાલતમાં પડેલો મળ્યો. મોત પહેલાં માને જોતાં જ રાહુલના અંતિમ શબ્દો હતા કે મા મને છાતીમાં દુખે છે અને મા કહી બોલે એ પહેલાં જ રાહુલે દમ તોડ્યો.

આ ઘટનાની મળતી હકીકત મુજબ પાટણ શહેરના પીપળાશેર ઠાકોરવાસમાં રહેતો રાહુલ ઠાકોર રવિવારની સાંજે પોતાના મિત્ર સાથે શહેરના કનસડા દરવાજા નજીક આવેલી લાઇબ્રેરી પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પ્રેમસંબંધની અદાવત રાખી એક્ટિવા પર આવેલા યુવતીના ભાઈ વિષ્ણુએ એકદમ ઉશ્કેરાઈ જઈ રાહુલના છાતીના ભાગે છરીથી હુમલો કર્યો હતો. એ બાદ ઝપાઝપી થતાં રાહુલ વધુ મારથી બચવા માટે રતનપોળ બાજુ ભાગી રહ્યો હતો. ત્યારે આરોપી તેની પાછળ ભાગ્યો હતો. વધુ માર મારતા આ દરમિયાન રાહુલ લોહીલુહાણ હાલતમાં જ બેભાન થઈ ત્યાં જ ઢળી પડ્યો હતો.

જોકે આ દરમિયાન લોકોએ હોબાળો કરતાં આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. એ બાદ રાહુલની માતાએ અને તેના મિત્રોએ રાહુલને હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ત્યારે પ્રેમપ્રકરણમાં યુવતીના ભાઈએ જ ખૂની ખેલ ખેલ્યો હતો. આ બાબતની પાટણ એ ડિવિઝન પોલીસને જાણ થતાં પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. એ બાદ એલસીબીએ બે આરોપીને ઝડપી પાડ્યા હતા.

આ સમાચારને શેર કરો