Placeholder canvas

હવે દેશભરના વિદ્યાર્થીઓ માટે ‘અપાર’ ઓળખપત્ર: જેમાં શૈક્ષણિક રેકોર્ડ સચવાશે.

દેશભરમાં સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સમાન-યુનિક ઓળખ નંબર- કાર્ડ આપવાનો પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના વન નંબર, વન સ્ટુડન્ટ આઈડી પ્રોજેકટમાં પ્રિ-પ્રાયમરીથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધી અભ્યાસ કરનારા તમામ વિદ્યાર્થીઓની ઓટોમેટેડ પરમાનેન્ટ એકેડેમીક એકાઉન્ટ રજીસ્ટ્રી હશે. વિદ્યાર્થીઓના 12 આંકડાના આધારકાર્ડ સિવાયનું આ કાર્ડ હશે. ‘એજયુલોકર’ તરીકેનું આ ઓળખપત્ર વિદ્યાર્થીઓના જીવનભરના અભ્યાસ અને સિદ્ધિઓમાં રેકોર્ડ રાખશે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા તમામ રાજયો તથા કેન્દ્ર શાસીત પ્રદેશોને વિદ્યાર્થીઓના ઓળખપત્ર તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. ઓટોમેટેડ પરમાનેન્ટ એકેડેમીક એકાઉન્ટ રજીસ્ટ્રી (અપાર) તથા નેશનલ ક્રેડીટ ફ્રેમવર્ક દેશભરના વિદ્યાર્થીઓ માટે નવો કયુઆર કોડ બનશે. વિદ્યાર્થીના કૌશલ્ય તથા સિદ્ધિની તેમાં નોંધ થશે.

‘અપાર’ ઓળખપત્રનું મહત્વ સમજાવવા માટે દરેકે સ્કુલો-શિક્ષણ સંસ્થાનોને વાલીઓ સાથે બેઠક કરવા સુચના આપવામાં આવી છે. શાળા સંચાલકોમાં આ પ્રોજેકટ સાથે ગણગણાટ છે. વિદ્યાર્થીઓના આધાર અપડેટ કરવામાં પણ પગે પાણી ઉતરી રહ્યા છે ત્યારે નવી જવાબદારી મુશ્કેલ છે. મહારાષ્ટ્રને લાગેવળગે છે ત્યાં સુધી 19 લાખ વિદ્યાર્થીઓ પાસે આધારકાર્ડ નથી અને અન્ય 40 લાખ વિદ્યાર્થીઓના આધારકાર્ડમાં નામ-જન્મતારીખની ભુલ સુધારવાની બાકી છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે એવું સ્પષ્ટ કર્યુ છે કે, વાલીઓની પૂર્વસંમતિથી જ નવા કાર્ડ ઈસ્યુ થશે અને તે ડેટા ગુપ્ત રહેશે. માત્ર સરકારી એજન્સીઓ જ જરૂર પડયે ઉપયોગ કરી શકશે. વિદ્યાર્થી-વાલી અધવચ્ચે કાર્ડ રદ કરાવી શકશે. વાલીઓની સંમતિ બાદ વિદ્યાર્થીના ઓળખકાર્ડથી માંડીને નિયમિત અપડેટ કરવાની જવાબદારી સ્કુલની રહેશે.

આ સમાચારને શેર કરો