Placeholder canvas

વર્લ્ડકપ અપસેટ: અફઘાનીસ્તાનની સામે ઈંગ્લેન્ડની કારમી હાર: સ્પીન ત્રિપુટી સામે ઈંગ્લીશ બેટરો ઢેર

અફઘાનીસ્તાન સામે ઈંગ્લેન્ડનો પ્રથમ પરાજય: પોઈન્ટ ટેબલમાં પણ ઉલટફેર: ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા જેવી ટીમો પણ પાછળ

ભારતમાં રમાય રહેલા વન-ડે ક્રિકેટ વર્લ્ડકપનાં સૌ પ્રથમ અપસેટમાં અફઘાનીસ્તાન સામે ગત વખતથી વિશ્વ ચેમ્પીયન ઈંગ્લેન્ડનો કારમો પરાજય થયો છે.આ સાથે ઈંગ્લેન્ડના નામે એક નવો કમનસીબ રેકોર્ડ બન્યો છે. ટેસ્ટ ક્રિકેટ રમતા તમામ દેશો સામે પરાજય વેઠનાર ક્રિકેટ વિશ્વની એકમાત્ર ટીમ બની છે.

દિલ્હી ખાતે રવિવારનાં મેચમાં અફઘાનીસ્તાન સામે ઈંગ્લેન્ડનો 69 રને પરાજય થયો હતો.આઈસીસી વન-ડે વર્લ્ડકપનાં અત્યાર સુધીનાં ઈતિહાસમાં ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટ રમતા તમામ 11 રાષ્ટ્રોની ટીમો સામે હારી ચુકી છે અને સૌથી ખરાબ રેકોર્ડ બન્યો છે.

1975 ના પ્રથમ વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડનો ઓસ્ટ્રેલીયા સામે પરાજય થયો હતો.1979 માં ફાઈનલ જંગમાં વેસ્ટ ઈન્ડીઝ્લેમે હાર સહન કરી હતી. 1983 માં ભારત તથા ન્યુઝીલેન્ડે ઈંગ્લેન્ડને હરાવ્યુ હતું. 1987 માં પાકિસ્તાને પ્રથમ વખત ઈગ્લેન્ડને હરાવ્યું હતું.1992 માં નબળી ગણાતી ઝીમ્બાબ્વેની ટીમે અપસેટ સર્જીને ઈગ્લેન્ડને પરાસ્ત કરી હતી. 1996 માં શ્રીલંકા તથા દ.આફ્રિકાએ પ્રથમ વખત ઈંગ્લેન્ડને હરાવી હતી.

ત્યારબાદ 2011માં બાંગ્લાદેશે ઈંગ્લીશ ટીમને પરાજીત કરીને પાણી ઉતારી દીધુ હતું. આ જ વર્ષે (2011)માં આયર્લેન્ડે પણ ઈંગ્લેન્ડને હરાવ્યુ હતું. એક માત્ર અફઘાનીસ્તાન બાકી હતું અને હવે અફઘાને પણ ગઈકાલના મેચમાં ઈંગ્લેન્ડને સજજડ હાર આપીને વર્તમાન ટુર્નામેન્ટનો પ્રથમ અપસેટ સર્જયો હતો.

રવિવારના મેચમાં અફઘાનીસ્તાન પ્રથમ દાવ લેવા મેદાને ઉતર્યુ હતું. રસપ્રદ બાબત એ હતી કે સ્ટેડીયમમાં મૌજુદ 26000 દર્શકોમાંથી મોટાભાગના અફઘાનીસ્તાનના સમર્થનમા હતા અને જીતેગા અફઘાનીસ્તાનના નારા લગાવતા રહ્યા હતા. ઓપનર ગુરબાજ તથા ઈબ્રાહીમ જરદાનની જોડીએ આક્રમક શરૂઆત કરીને વિના વિકેટે 114 રન ઝુડયા હતા.

એક વિકેટ પડયા બાદ નિયમિત અંતરે વિકેટો પડતી રહી હતી તેની વચ્ચે ઈકરામે 58 રન ઝુડયા હતા. પુછડીયા ખેલાડીઓએ પણ સ્ફોટક બેટીંગ કરતા અફઘાનીસ્તાને 284 રનનો જુમલો બનાવ્યો હતો. 285 રનના ટારગેટ સાથે મેદાને પડેલા ઈંગ્લેન્ડનો દાવ માત્ર 40.3 ઓવરમાં 215 રનમાં જ સમેટાઈ ગયો હતો અને અફઘાનીસ્તાનનો 69 રને વિજય થયો હતો.

વર્લ્ડકપના ઈતિહાસમાં અફઘાનીસ્તાને બીજો વિજય હાંસલ કર્યો હતો. અફઘાનીસ્તાનની રાશિદ, નબી તથા મુજીબની સ્પીન ત્રિપુટી સામે ઈંગ્લેન્ડના બેટસમેનો ઢેર થઈ ગયા હતા. બ્રુકસ સિવાય કોઈપણ ખેલાડી લાંબો વખત ક્રિઝ પર ટકી શકયા ન હતા. શરૂઆતમાં જ બેરસ્ટો આઉટ થયા બાદ રૂટ, બટલર, લીવીંગ્ટન જેવા મીડલ ઓર્ડર બેટરો કાંઈ કરી શકયા ન હતા. એક પછી એક વિકેટ ખડતી રહી હતી. સૌથી વધુ 66 રન બ્રુકસે બનાવ્યા હતા.

રસપ્રદ વાત એ છે કે, ચાલુ ટુર્નામેન્ટમાં તળીયે રહેલુ અફઘાનીસ્તાન એક જ જીત સાથે પોઈન્ટ ટેબલમાં 6ઠ્ઠા સ્થાને આવી ગયુ છે. ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ જેવી ટીમો પણ અફઘાનીસ્તાનથી પાછળ છે. કારણ કે હજુ સુધી આ ટીમોએ એકપણ મેચ જીત્યા નથી.

અફઘાનીસ્તાન વર્લ્ડકપમાં સળંગ 14 હાર ધરાવતુ હતું તે પછી હવે વિજય મેળવ્યો છે. ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં ઈંગ્લેન્ડ પ્રથમ વખત અફઘાનીસ્તાન સાથે પરાજીત થયું છે.

વાંકાનેર અને મોરબી જિલ્લા ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રના મહત્વના સમાચાર વાંચવા માટે કપ્તાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવો.

કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/KqhyArp44T2HYDlxn8J81R

આ સમાચારને શેર કરો