Placeholder canvas

હિરાસર એરપોર્ટનાં લોકાર્પણ પાછળ 11.46 કરોડનો અધધ…ખર્ચ

રાજકોટની ભાગોળે રૂા.1405 કરોડનાં તોતીંગ ખર્ચે નિર્માણ કરાયેલ આંતર રાષ્ટ્રીય હિરાસર એરપોર્ટનાં પ્રથમ ફેઈઝનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ ગત તા.27 જુલાઈના કરવામાં આવેલ હતું.આ લોકાર્પણ પાછળ 11.46 કરોડનો ભારેખમ ખર્ચ થવા પામેલ છે. જેની ઉઘરાણી હવે કલેકટર તંત્ર દ્વારા કેન્દ્ર સરકારનાં સીવીલ એવીએશન ડીપાર્ટમેન્ટ પાસે શરૂ કરવામાં આવી છે.

હિરાસર ખાતે રૂા.1405 કરોડના ખર્ચે આ ગ્રીન ફીલ્ડ એરપોર્ટનું નિર્માણ થતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના નાગરીકોને આંતર રાષ્ટ્રીય વિમાની મથકની ભેટ મળી છે.3.4 કિલોમીટરનો રન-વે તેમજ એક સાથે 14 વિમાનો પાર્ક કરી શકાય તેવી અદ્યતન સુવિધા ધરાવતા આ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવેલ છે.

આ એરપોર્ટનાં લોકાર્પણ પાછળ વિજળી, મંડપ, ડેકોરેશન, ફૂડ પેકેટ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સહિત કાર્યક્રમો માટે વહીવટી તંત્રને 11.46 કરોડનો ભારેખમ ખર્ચ થવા પામેલ છે.એરપોર્ટનાં લોકાર્પણ માટે રાજકોટનાં મહેમાન બનેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટમાં માત્ર જુજ કલાકોનું જ રોકાણ કર્યું હતું. આ દરમ્યાન હિરાસર એરપોર્ટની લોકોને ભેટ આપી હતી તેની સાથોસાથ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં જંગી જાહેરસભાને સંબોધી હતી.

જેમાં વડાપ્રધાનનાં આ કાર્યક્રમ માટે મુખ્ય ડોમ પાછળ રૂા.27 લાખનો ખર્ચ થયો હોવાનું સીવીલ એવીએશન ડીપાર્ટમેન્ટનાં સુત્રોએ જણાવી ઉમેર્યું હતું કે વડાપ્રધાનનાં આ કાર્યક્રમ માટે ડેકોરેશન, સજાવટ, ડીજીટલ ખર્ચ, પણ લાખોની રકમના આંકડામાં થવા પામેલ છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ગીતા રબારીને રૂા.4 લાખ, ધીરૂભાઈ સરવૈયાને 1.50 લાખ રકમ ચુકવવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.આ ઉપરાંત લોકલ સેંકડો કલાકારોને માત્ર મામુલી ખર્ચ આપેલ. દુપટ્ટાના 15000 અને ફૂડ પેકેટનાં 20 લાખના બીલો મુકવામાં આવેલ છે.

સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનનાં આ કાર્યક્રમની રેસકોર્ષ ગ્રાઉન્ડમાં યોજાયેલી જંગી સભામાં એલઈડી સ્ક્રીન અને મલ્ટી મીડીયા માટે રૂા.60 લાખ ઉપરાંતનો ખર્ચ કરવામાં આવેલ છે.આ ઉપરાંત સાઉન્ડ સીસ્ટમ, ડોમ 1 થી 5 માં લગાવવામાં આવ્યા હતા જેને માટે પણ 83 લાખનો જંગી ખર્ચ કરવામાં આવેલ હતો. આ તોતીંગ ખર્ચનાં બિલોની ઊઘરાણી કલેકટર તંત્ર દ્વારા ચાર માસ પછી સીવીલ એવીએશન વિભાગ પાસે શરૂ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો