Placeholder canvas

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: સોરઠ-ગીર સોમનાથ પાણી..પાણી..

સૂત્રાપાડામાં 25, વેરાવળમાં 23, તાલાલામાં 12, માંગરોળમાં 13, કેશોદ-મેંદરડામાં 5 ઈંચ ખાબકી ગયો: રાજકોટ જિલ્લાનાં ધોરાજીમાં 12 અને જામ કંડોરણામાં 7 ઈંચ: સૌરાષ્ટ્રમાં અન્યત્ર 0॥થી 1.5 ઈંચ પાણી વરસ્યું

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ભારે વરસાદની આગાહીનાં પગલે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમ્યાન ઠેર ઠેર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકયો છે. ખાસ કરીને ગિર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા ખાતે બારે મેઘ ખાંગા થયા હોય તે રીતે 24 કલાકમાં જ 25 ઈંચ જેટલો, વેરાવળમાં 23 ઈંચ અને તાલાલામાં 12 ઈંચ વરસાદ ખાબકયો હતો. જેથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજાએ આક્રમણ કર્યું હતું. સવારે ચાર કલાકમાં જ માંગરોળમાં 13 ઈંચ, માળીયામાં 4 ઈંચ, કેશોદમાં 5, મેંદરડામાં 5 અને માણાવદરમાં 2.5 ઈંચ વરસાદ વરસી ગયો હતો. જયારે ધોરાજીમાં પણ 12 કલાકમાં 12 ઈંચ વરસાદથી જળ બંબાકાર થઈ ગયો હતો. તેમજ જામકંડોરણામાં પણ 7 ઈંચ અને ઉપલેટામાં 5 ઈંચ વરસાદ ખાબકી ગયો હતો તથા ગોંડલમાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો.

સૌરાષ્ટ્રમાંથી મળેલી માહિતી મુજબ ભાવનગરના ગારીયાધાર અને મહુવામાં એક એક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વલભીપુર અને ઉમરાળામાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. ગોહિલવાડ પંથકમાં ભારે વરસાદની આગાહી વચ્ચે માત્ર ગારીયાધાર અને મહુવા પંથકમાં એક એક ઇંચ વરસાદ પડ્યો છે. અન્ય તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે.આજે સવારના 6 વાગે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં 27 મી. મી.પાલિતાણામાં 6 મી.મી. મહુવામાં 22મી. મી.અને તળાજામાં 1 મી.મી., વલભીપુરમાં 18મી.મી. ઉમરાળા 17મી.મી. વરસાદ નોંધાયો છે.દરમિયાન આજે સવારથી જ ભાવનગરમાંશહેર માં ધાબડીયા વાતાવરણ વચ્ચે ઝરમરિયો વરસાદ શરૂ થયો છે.

આ સમાચારને શેર કરો