Placeholder canvas

ગુજરાત-સૌરાષ્ટ્રમાં હજુ વધુ 7દિવસ વરસાદની આગાહી…

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી

આજથી આગામી તા.25 જુલાઈ સુધી જુદા જુદા ચાર પરિબળોનાં કારણે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મોટાભાગનાં સ્થળોએ મધ્યમથી ભારે અને અમુક સેન્ટરોમાં અતિભારે વરસાદ સમયાંતરે પડવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

તેઓએ જણાવેલ હતું કે છેલ્લા 24 કલાક દરમ્યાન રાજયનાં 67 તાલુકામાં વરસાદ પડયો છે. જે પૈકી 29 તાલુકાઓમાં 10 મીમીથી વધુ વરસાદ થયો છે. તા.17 જુલાઈ સુધીમાં જેટલો દિ વરસાદ પડવો જોઈએ તેના કરતા 147 ટકા વધુ વરસાદ સૌરાષ્ટ્ર-કચ્છ રીજીયનમાં પડયો છે. ખાસ કરીને કચ્છ રીજીયનમાં 319 ટકા વધુ વરસાદ પડયો છે.જયારે ગુજરાત રીજીયનમાં 36 ટકા વધુ વરસાદ પડયો છે અને સમગ્ર રાજયમાં 84 ટકા વધુ વરસાદ પડેલ છે.

આ દરમ્યાન હવે આજથી આગામી તા.25 સુધી વિવિધ પરિબળો કામ કરશે. જે પૈકી ગુજરાત રાજય અને લાગુ અરબી સમુદ્ર ઉપર 3.1 કી.મી.નાં લેવલનું અપરએર સાયકલોનીકલ સકર્યુલેશન છે. તથા ચોમાસું ધરી નોર્મલ અથવા અમુક દિવસ ધરીનો પશ્ર્ચિમ છેડો દક્ષિણ તરફ રહે અને ઉતર ગુજરાત તરફ આવી શકે. ચોમાસુ ધરી 1.5 કીમીના લેવલમાં નોર્મલ રહે અથવા અમુક દિવસ ધરીનો પશ્ચિમ છેડો દક્ષિણ તરફ આવે તેમજ એક બહોળુ અપરએર સાયકલોનીક સરકર્યુલેશન 1.5, 3.1 અને 5.5 કીમીના લેવલમાં છવાશે.

જયારે બંગાળની ખાડી બાજુ એક-બે અપર એર સાયકલોનીક સકર્યુલેશન થવાના હોય મોન્સુન ટ્રફ સક્રિય થશે. દક્ષિણ ગુજરાતથી કેરાલા સુધી તા.18 થી 25 દરમ્યાન સૌરાષ્ટ્ર-ગુજરાત અને કચ્છમાં સારા વરસાદનો રાઉન્ડ રહેશે.ઘણા વિસ્તારોમાં એકથી વધુ રાઉન્ડની શકયતા છે.

સૌરાષ્ટ્ર-ક્ચ્છનાં 50 ટકા વિસ્તારમાં 2 ઈંચ સુધીનાં વરસાદની શકયતા છે. જયારે બાકીનાં 50 ટકા વિસ્તારમાં 2 થી 4 ઈંચ અને સૌરાષ્ટ્રના અતિભારે વરસાદના સેન્ટરોમાં 8 ઈંચ ઉપર વરસાદ પડવાની શકયતા છે.

આજ રીતે ગુજરાતમાં 50 ટકા વિસ્તારમાં 2.5 ઈંચ જેટલો જયારે બાકીના 50 ટકા વિસ્તારમાં 2.5 થી 5 ઈંચ અને અતિભારે વરસાદની શકયતાવાળા સેન્ટરોમાં 8 ઈંચથી વધુ વરસાદ પડવાની શકયતા હોવાનું અશોકભાઈ પટેલે જણાવેલ હતું.

આ સમાચારને શેર કરો