Placeholder canvas

લવ જેહાદના કાયદા પરનો સ્ટે હટાવવાની ગુજરાત સરકારની અરજી હાઈકોર્ટે ફગાવી

ગુજરાત સરકાર દ્વારા અમલ કરવામાં આવી રહેલા ‘લવ જેહાદ’ના કાયદાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. લવ જેહાદના કાયદાની કલમ 5 પરનો સ્ટે હટાવવાની સરકારની માંગણી પર હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઇકોર્ટે એડવોકેટ જનરલની રજુઆત ફગાવી દીધી છે. જેથી કલમ 5 પરનો સ્ટે યથાવત રહેશે.

આજે હાઈકોર્ટમાં સરકાર તરફથી એડવોકેટ જનરલે કલમ 5 પરનો સ્ટે હટાવવા કોર્ટમાં રજુઆત કરી હતી. કાયદેસરનું ધર્માંતરણ કરવા માટે કલેકટરની પરવાનગી જરૂરી હોવાની જોગવાઈ પર મનાઈ હુકમ હટાવવા એડવોકેટ જનરલે કોર્ટમાં માંગ કરી હતી. પરંતુ અરજદારના વકીલે સરકારની અરજીનો વિરોધ કર્યો હતો. આ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ જનરલની રજુઆત ફગાવી દીધી છે. જેના કારણે ‘લવ જેહાદ’ના કાયદામાં કલમ 5 પરનો સ્ટે યથાવત રહેશે. કાયદેસરના લગ્નથી ધર્માંતરણ માટે કલેકટરની પરવાનગી જરૂરી હોવાની જોગવાઈ પર હાઇકોર્ટનો મનાઈ હુકમ યથાવત રહેશે. કાયદામાં લગ્નથી ધર્માંતરણને ગેરકાયદે બનાવવાનો સરકારનો પ્રયાસ હાઇકોર્ટે સ્ટે કર્યો એ વ્યાજબી હોવાની અરજદારે રજુઆત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે થોડા દિવસ પહેલા ‘લવ જેહાદ’ના કાયદામાં પોતાના અવલોકનમાં નોંધ્યું હતું કે, લોભ-લાલચ પુરવાર કર્યા વિના FIR દાખલ નહીં થઈ શકે. આ ઉપરાંત કલમ 3,4,5 અને 6ના સુધારા અંગે મનાઈ હુકમ કર્યો હતો. હાઈકોર્ટે આંતરધર્મીય લગ્નના આધારે FIR દાખલ કરવા પર મનાઈ ફરમાવી હતી.

આ સમાચારને શેર કરો