Placeholder canvas

વાંકાનેર: અરણીટીંબા ગામે ગટર ખોદવા પ્રશ્ને બઘડાટી : છ વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ

બે દિવસ પૂર્વેના બનાવના ખોટી રીતે એટ્રોસિટીની ફરિયાદ કરાઈ હોવાનું સામાપક્ષે રજુઆત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે જેસીબી મશીનથી ગટર ખોદવા મુદ્દે સામાન્ય ઝઘડો થયા બાદ બે દિવસ બાદ ગઈકાલે એટ્રોસીટી સહિતની કલમો મુજબ છ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સામાપક્ષે પણ પોલીસ મથકે મોટી સંખ્યામાં લોકો દોડી આવી આગેવાનોએ એટ્રોસીટી એકટ મુજબ ખોટી રીતે ફરીયાદ કરવામાં આવી હોવાની રજૂઆતો કરી હતી.

પોલીસ દફ્તરેથી જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે રહેતા છગનભાઇ ગોવીંદભાઇ અઘારાના ઘર પાસે આરોપી (૧) ઉસ્માનભાઇ અલીભાઇ કડીવાર જમાતના પ્રમુખ (ર) નિઝામ મામદ કડીવાર (૩) મામદ હાજી કડીવાર (૪) ઇરફાન ફતે ચૌધરી (પ) અમીભાઇ અલીભાઇ કડીવાર (૬) ઉસ્માન આહમદભાઇ કડીવાર રહે.બધા અરણીટીંબાવાળા જેસીબીથી ગટર ખોદવા ખાડો કરતા હતા ત્યારે ફરિયાદી છગનભાઇને તેમના ઘર પાસે પણ ગટર ખોદશે તેવું જણાતા તેમને ગટર ખોદવા ના પાડી હતી.

જેને પગલે આરોપીઓને આ વાત સારી નહિ લાગતા ફરિયાદી તેમજ સાહેદો સાથે બોલાચાલી ઝગડો કરી ફરીયાદી છગનભાઇનો કાંઠલો પકડી ધક્કો મારી પછાડી દઇ ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું અને ફરિયાદી અનુસૂચિત જાતીના હોવાનું આરોપીઓ જાણતા હોવા છતા જાતી પ્રત્યે જાહેરમાં હડધુત કરતા ઘટનાના બે દિવસ બાદ કૌટુંબિક સભ્યો સાથે વાતચીત કરી ગઈકાલે આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી પક્ષ તરફથી વાંકાનેર તાલુકા પોલીસ મથકે રાત્રે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ ખોટી ફરિયાદ કરી હોવાની રજૂઆત કરી હતી..

આ સમાચારને શેર કરો