Placeholder canvas

રાજકોટમાં દૂધની ભેળસેળ અટકાવવા મનપાની મેગા ડ્રાઈવ

રાજકોટમાં પરોઢીયે દૂધના 22 વાહન પકડતું ફૂડ તંત્ર : 228 લીટરનો નાશ

રાજકોટ: ભેેળસેળીયા દૂધના કારોબારની ફરીયાદો વચ્ચે આજે વ્હેલી સવારે મ્યુનિ. કોર્પોરેશને શહેરના પ્રવેશદ્વાર પર મેગા ચેકીંગ ડ્રાઇવ કરી 22 વાહનો રોકયા હતા જે પૈકી ઘણા વાહનમાંથી શંકાસ્પદ દૂધ મળતા 228 લીટર માલનો નાશ કરાયો હતો. શહેરમાં બહારગામથી મોટા પાયે દૂધ ઠલવાય છે જેમાં ઘણા ધંધાર્થીઓ ભેળસેળીયુ અને આરોગ્યને નુકસાન થાય એવું દૂધ વેંચતા હોવાની ફરીયાદો ઘણા સમયથી ઉઠી છે. તેમાં છેલ્લે પોલીસે પકડેલા દૂધ ભરેલા ટેન્કર બાદ સરકારે પોલીસ અને કોર્પો. બંને તંત્રને આ ધંધા બંધ કરાવવા કડક પગલા લેવા આદેશ આપ્યો છે.

આજે સવારે 4.30 વાગ્યામાં કમિશ્નર અમિત અરોરાની સૂચનાથી ના. આરોગ્ય અધિકારી ડો. પી.પી.રાઠોડ સહિતની ફૂડ તંત્રની ટીમ ગોંડલ રોડ ચોકડીએ ગોઠવાઇ હતી. આ વોચમાં દૂધના ટેન્કર, ટેમ્પો, છકડો રીક્ષા, રોકી લુઝ તથા પેકીંગ દૂધનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગરથી ફાળવવામાં આવેલ ખાસ ટેસ્ટીંગ વાનમાં સ્થળ પર માત્ર બે મીનીટમાં જ દૂધનું પરીક્ષણ થઇ જતું હતું.

આરોગ્ય અધિકારીએ આપેલી માહિતી મુજબ ગોંડલ ચોકડીએ કુલ 22 દૂધના વાહનો ચેક કરવામાં આવ્યા હતા જેમાં પાંચ સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે. તો જુદા જુદા વાહનમાંથી 228 લીટર શંકાસ્પદ દૂધનો નાશ કરાયો છે. સ્થળ પર જ કરાયેલા ચેકીંગમાં પાણીની મિલાવટ, ફેટમાં વધઘટ, પીળા પદાર્થની હાજરી જોવા મળી હતી.

સરકારના ખાસ ટેસ્ટીંગ વાનમાં તુર્ત જ ફેટનું પ્રમાણ, એસએનએફ પાણી કે યુરીયાની ભેળસેળ જાણી શકાય છે. રાજકોટમાં છેક જુનાગઢ, પોરબંદર અને કુતિયાણાથી દૂધનો જથ્થો વેચાણ માટે આવે છે. તેમાં અનેક જગ્યાએથી આવતું ભેળસેળવાળુ દૂધ પણ વેંચાઇ જતું હોય છે. આ કારોબાર બંધ કરાવવા ડ્રાઇવ ચલાવાઇ રહી છે.

આ મેગા ડ્રાઈવમાં ગુજરાત સરકારના ફૂડ વિભાગની ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ્સમાં તાત્કાલિક દૂધનું ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન 22 જેટલા દૂધના વાહનોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. જે પૈકી 4 વાહનોમાંથી મળેલા દૂધમાં પાણીની ભેળસેળ સામે આવી હતી. જેમનો RMCને દંડ ફટકારવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

આ સિવાય રાજકોટની 4 જાણતી ડેરીઓ અને ટી સ્ટોલમાંથી લેવામાં આવેલા દૂધના સેમ્પલ ફેઈલ થયા છે. જે પૈકી બે સામે કાર્યવાહી ચાલુ છે. જેમાં શ્રીનાથજી ડેરી ફાર્મને 30 હજાર રૂપિયાનો દંડ, જય નકલંક ટી સ્ટોલને 25 હજારનો દંડ, ક્રિષ્નારાજ ડેરી ફાર્મ અને અમૂલ પાર્લરને 25 હજારનો દંડ, રાધેશ્યામ ડેરી ફાર્મને 50 હજારનો દંડ, નંદકિશોર ડેરી ફાર્મને 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે રામેશ્વર ડેરી ફાર્મ અને ખોડિયાર ડેરી ફાર્મ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો