Placeholder canvas

ગુજરાત સરકારની કબૂલાત: ‘અદાણીને કચ્છમાં 5 કરોડ ચો.મી.થી વધુ સરકારી જમીન બે-પાંચ રૂપિયામાં આપી છે !’

ગૌચર વિનાના કચ્છના 103 ગામને જમીન આપવાને બદલે ઉદ્યોગપતિઓને લ્હાણી કરતી ભાજપની ‘સંવેદનશીલ’ રાજ્ય સરકાર

ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અદાણી ગ્રુપના સંબંધોને લઈને કોંગ્રેસના રાહુલ ગાંધી આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે તેવામાં ગુજરાત સરકારની એક સત્તાવાર કબૂલાતથી ખળભળાટ મચી ગયો છે. ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા બજેટ સત્રમાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારના એક તારાંકિત પ્રશ્નના જવાબમાં રાજ્યની ભાજપ સરકારે કબૂલાત કરી છે કે, કચ્છના મુન્દ્રા તાલુકામાં આવેલી પાંચ કરોડ ચોરસ મીટરથી પણ વધુ સરકારી જમીનને માત્ર બે-પાંચ રૂપિયાના ભાવે અદાણી ગ્રુપને વેચી મારવામાં આવી છે. સરકારે મિનિમમ બે રૂપિયાથી લઈને વધુમાં વધુ માત્ર સાડા દસ રૂપિયાની નજીવી કિંમતમાં આશરે 12,478 એકર જમીન મુન્દ્રામાં સ્પેસીયલ ઈકોનોમી ઝોન (SEZ) માટે અદાણી સમૂહને આપી દીધી છે.   

ગુજરાત વિધાનસભામાં દાણીલીમડા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહેલા કોંગ્રેસના MLA શૈલેષ પરમારે એક અખબારી યાદીમાં દાવો પણ કર્યો છે કે, ભાજપ સરકારમાં અદાણીને લીલાલહેર છે. કચ્છમાં આવેલા મુન્દ્રા તથા માંડવી તાલુકામાં ગુજરાતની ભાજપ સરકાર દ્વારા કરોડોના બજાર મૂલ્યવાળી જમીન પાણીના ભાવે અદાણી સમૂહને આપનારી રાજ્યની ભાજપ સરકાર એ લોકોની નહીં પરંતુ પાંચ ઉદ્યોગપતિની સરકાર છે. વિધાનસભામાં તેમણે પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકાર વતી મહેસુલ મંત્રીએ તેમને અદાણીને આપેલી સરકારી જમીન અંગે જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારે આ જમીન અદાણી ગ્રુપના મુન્દ્રા પોર્ટ એન્ડ સ્પેશિયલ ઈકોનોમી ઝોન માટે પાંચ કરોડ પાંચ લાખ ચોરસ મીટરથી પણ વધુ જમીન બે રૂપિયાથી લઈને 10.50 રૂપિયામાં વેચાણથી આપી દીધી છે. 

ગરીબોના હામી હોવાની વાતો કરતી રાજ્યની ભાજપ સરકાર ગરીબોને ઘરથાળના પ્લોટ આપવામાં ઠાગાઠૈયા કરે છે અને બીજી બાજુ કરોડો રૂપિયાની કિંમતી સરકારી પડતર જમીન પાણીના ભાવે માત્ર બે-પાંચ રૂપિયામાં અદાણી ગ્રુપ જેવી ખાનગી કંપનીઓને વેચી રહી હોવાનો આક્ષેપ ધારાસભ્ય શૈલેષ પરમારે કર્યો છે.  

ધારાસભ્ય પરમારે એવો પણ આક્ષેપ કર્યો છે કે, રાજ્યના સૌથી મોટા જિલ્લા એવા કચ્છમાં ગૌચર વિનાના ગામની સંખ્યા 103 છે. પોતાને સંવેદનશીલ ગણાવતી ભાજપ સરકાર મૂંગા પશુઓના ચરીયાણ માટે આ ગામોને ગૌચરની જમીન ફેલાવતી નથી અને તેના માનીતા ઉધોગપતિઓને બખ્ખા કરાવવા માટે પાણીના ભાવે જમીન આપી દે છે. 

કચ્છની જમીન લેવાની પણ અહીંના લોકોને રોજગારી નહીં આપવાની :-  રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છમાં અદાણી સમૂહને પાણીના ભાવે જમીન આપનારી ગુજરાતની ભાજપ સરકારે એવું પણ કબુલ્યું છે કે, અદાણીની કંપનીઓમાં 85 ટકા સ્થાનિકોને રોજગાર આપવાના નિયમનો ભંગ થયો છે. સરકારે આ વાત પણ વિધાનસભામાં કબુલી છે. નિયમનો ભંગ થયો હોવા છતાં રાજ્યની કહેવાતી સંવેદનશીલ ભાજપની સરકારે અદાણી સમૂહની કંપનીઓ સામે કાર્યવાહી પણ કરી નથી. માત્ર ધ્યાન દોરતા પત્રો જ લખ્યા છે. ખાનગી કંપનીઓમાં રોજગારી મામલે તપાસ કરવાની કોઈ જ જોગવાઈ ન હોવાનો દાવો પણ ગુજરાતની સરકારે કર્યો છે. સરકારે વિધાનસભામાં કબુલ્યું કે, કંપનીઓમાં રોજગાર વિષયક તપાસ કરવાની કોઈ જોગવાઈ નથી. માત્ર દર છ મહિને કંપનીઓ પાસેથી કેટલા લોકોને રોજગારી આપી તેવી માહિતી એકત્ર કરવામાં આવે છે. અને આવી સ્થિતિ કચ્છ સિવાય રાજ્યમાં અન્ય જગ્યાએ પણ છે. અમદાવાદમાં તો ખુદ કેન્દ્ર સરકારની પાંચ અને ખાનગી 15 કંપની લોકલને રોજગાર આપવામાં સદન્તર નિષ્ફળ નીવડી છે. 

આ સમાચારને શેર કરો