Placeholder canvas

મોરબીના રફાળેશ્વર ગામે ફેકટરીમાં લાગેલી આગ પર 20 કલાકે કાબુ મેળવ્યો.

મોરબીના રફાળેશ્વર નજીક આવેલ ટોયલેટ સીટ કવર બનાવતી ફેકટરીમાં બુધવારે બપોરના સુમારે ઓચિંતી આગ લાગી હતી. જે આગ વિકરાળ બનતા મોરબીની 2 ઉપરાંત વાંકાનેર અને રાજકોટ સહિત કુલ 5 ફાયરની ટીમોએ 20 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. તો બાજુમાં આવેલા ફેક્ટરીમાં પણ નુકસાન થવા પામ્યું હતું.

મોરબીના રફાળેશ્વર ગામ નજીક આવેલા વિનાયક કોર્પોરેશન નામની ફેક્ટરીમાં બુધવારે બપોરે બેથી અઢી વાગ્યાના અરસામાં આગ લાગી હતી. જેને પગલે મોરબી ફાયરની બે ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી તેમજ આધુનિક સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવવા પ્રયત્ન હાથ ધર્યા હતા. જોકે આગ વિકરાળ બની હતી અને બાજુની ફેક્ટરી સુધી ફેલાઈ જતા વાંકાનેરથી 1 અને રાજકોટની 2 ટીમોની મદદ લેવામાં આવી હતી. આમ કુલ ફાયરની 5 ટીમોએ પાણીનો મારો ચલાવી સતત 20 કલાકથી વધુ સમયની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો.

વિનાયક કોર્પોરેશન નામની ફેક્ટરી બળીને ખાખ થવા પામી હતી જેથી વ્યાપક નુકસાન થવા પામ્યું છે. જોકે હાલ નુકસાનીનો આંક મેળવી શકાયો નથી તો બાજુમાં આવેલા પવનસુત નામની ફેક્ટરીના શેડની દીવાલો અને રો મટીરીયલ્સને પણ નુકસાન થવા પામ્યું હતું. બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી.

આ સમાચારને શેર કરો