Placeholder canvas

વાંકાનેર: સિરામિક ફેક્ટરીમાં ગેસનો બાટલો લીકેજ થતાં આગ ભભૂકી : 4 શ્રમિકો દાઝ્યા

ગંભીર રીતે દાઝી ગયેલા શ્રમિકોને સારવાર અર્થે રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયા
ગૅસના બાટલાનો રેગ્યુલેટર ધડામ દઈ ફાટ્યા બાદ ચોતરફ આગ ફાટી નીકળી : સળગતી હાલતમાં શ્રમિકો બહાર આવતા, દોડધામ મચી

વાંકનેરમાં લેટોજા સિરામિક ફેક્ટરીમાં આવેલી ઓરડીમાં વહેલી સવારે ગેસ લીકેજ થયા બાદ રેગ્યુલેટર ફાટતા રૂમમાં આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાથી ચાર શ્રમિકો ગંભીર રીતે ઘઝી જતાં પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વાંકાનેર પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરમાં માટેલ રોડ પર લેટોજા સિરામિક ફેક્ટરીમાં દુર્ઘટના સર્જાઇ છે.આજે સવારે બે મંજૂરો ઊઠીને ચા બનાવવા જતાં ગેસની નળી ભડભડ સળગી ઉઠ્યા બાદ રેગ્યુલેટર ફાટતાં આખા રૂમમાં આગ ફાટી નીકળી હતી. વિકરાળ આગમાં આશિષ સીધાભાઈ પાલ (ઉ. વ ૨૦ ),કમલેશ રામકારણ પાલ (ઉ. વ ૩૭)સિંચન સમેલા પાલ (ઉ. વ ૧૮ ), પવન કાલુ પાલ (ઉ. વ ૧૮ રહે. મૂળ મધ્યપ્રદેશ )એ ગંભીર રીતે દાઝી જતાં સળગતી હાલતમાં કારખાનામાં દોડધામ મચાવી હતી.ગંભીર રીતે દાજી ગયેલા શ્રમિકોની આગ અન્ય શ્રમિકોએ બુઝાવી ૧૦૮ મારફતે સારવાર અર્થે મોરબી ક્રિષ્ના હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. બનાવ અંગેની જાણ થતાં કારખાના સંચાલક પ્રદીપ ગૌસ્વામી, વાંકાનેર પોલીસ દોડી ગઈ હતી

આ ઘટનામાં આગમા ઓરડીમાં રહેલી ઘર વખરી બળીને ખાખ થઈ જવા પામી હતી.રાત્રિના કોઈ શ્રમિક ગેસ બંધ કરવાનું ભૂલી જતાં ઓરડીમાં ગેસ પ્રસર્યો હતો. વહેલી સવારે ચા બનાવતી વેળાએ ગેસનો ચૂલો ચાલુ કરતાં જ આગ ફાટી નીકળી હતી.

આ સમાચારને શેર કરો