Placeholder canvas

વીજપોલ સાથે અથડાતાં કાર ભડકે બળી, એક બચ્યો અને બીજો અંદર જ જીવતો ભૂંજાયો

ભાવનગર શહેરના રિંગરોડ પરની એક દુર્ઘટનામાં કાર ડિવાઇડર પર ચડી ગયા બાદ એક બાકડા સાથે અથડાઈને સ્ટ્રીટ લાઇટના પોલ સાથે ભટકાઈ હતી. એ બાદ કારમાં એકાએક આગ ફાટી નીકળી હતી, જેથી કારમાં સવાર બે લોકોમાંથી એક યુવાન જીવતો જ ભડથું થઈ ગયો હતો, જ્યારે કારચાલક યુવાનને ગંભીર ઇજાઓ સાથે 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવની મળતી વિગત મુજબ, ભાવનગર શહેરમાં રહેતા વિનોદ મકવાણા અને મુકેશ બારૈયા મિત્રો કાર લઈને મંત્રેસ સર્કલથી ટોપ થ્રી તરફ જઈ રહ્યા હતા, ત્યારે મુકેશ ધનજીભાઈ બારૈયા (વર્ષ 32) કાર ડ્રાઇવ કરી રહ્યા હતા. અચાનક મુકેશભાઈએ કાર પર કાબૂ ગુમાવ્યો હતો અને એ ડિવાઈડર પર ચડી ગઈ હતી. એ બાદ ધડાકા સાથે વીજપોલ સાથે અથડાઈ હતી. જેથી કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જોતજોતાંમાં સમગ્ર કાર આગની લપેટમાં આવી ગઈ હતી.

આ ઘટના બનતાં જ આજુબાજુના સ્થાનિક રહીશો અને ધંધાર્થીઓએ દોડી જઇ કારમાં સવાર ચાલકને બહાર ખેંચી લીધો હતો. જ્યારે પાછળ બેઠેલી વ્યક્તિ જીવતી જ ભડથું થઈ ગઈ હતી. પાછળનો દરવાજો અકસ્માતના કારણે જામ થઇ જતાં લોકોની લાખ મહેનત છતાં તે યુવાનને બહાર કાઢી શકાયો ન હતો. મુકેશભાઈ દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ફાયરબ્રિગેડ સ્ટાફ અને પોલીસકાફલો સ્થળ પર પહોંચી પાણીનો છંટકાવ કરી આગને બુઝાવી દીધી હતી. ત્યાર બાદ કારની અંદર ચકાસણી કરતાં વિનોદભાઈ મકવાણા બળી ગયેલી હાલતમાં મોતને ભેટી ચૂક્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો