Placeholder canvas

વાંકાનેર: આખરે ત્રણ ભ્રષ્ટાચારી શિક્ષકો સામે ફરિયાદ નોંધાય….

વાંકાનેર : વાંકાનેર શિક્ષણ શાખામાં ફરજ બજાવતા ત્રણ શિક્ષકો દ્વારા રૂપિયા 53 લાખના સરકારી નાણાં હજમ કરી જવાના કૌભાંડમાં અંતે વાંકાનેર શહેર પોલીસ મથકમાં ભારેખમ કલમો મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે, નકલી બિલ બનાવવાની સાથે આ ત્રણેય ભ્રષ્ટાચારી શિક્ષકોએ સરકારની આરટીઇ યોજનાની ફી પણ ગપચાવી લીધી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

મળેલી મુજબ મોરબી જિલ્લાના શિક્ષણ જગતમાં ભારે ચકચાર જગાવનાર વાંકાનેર તાલુકા શિક્ષણ શાખાના ત્રણ શિક્ષકોના નાણાં ચાવ કરી જવા મામલે જિલ્લા પંચાયતની ખાસ તપાસનીશ ટીમની તપાસમાં વર્ષ 2017થી 2020 સુધીમાં રૂપિયા 53 લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવતા આ મામલે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રવિણકુમાર વિરજીભાઈ અંબારિયા દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં વિધિવત અરજી આપી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદી પ્રવિણકુમાર વિરજીભાઈ અંબારિયાએ આરોપી અરવિંદભાઇ નાનાભાઇ પરમાર (મદદનીશ શિક્ષક સોલંકીનગર પ્રાથમિક શાળા, ઝિંઝુડા) રહે.હાલ નેસ્ટ હીલ, રવાપર-ઘુનડા રોડ,મોરબી મુળ રહે.મરડીયા પો.સ્ટ.સાંઢેલી તા.ઠાસરા જી.ખેડા, હિમાંશુભાઇ નારણભાઇ પટેલ (મદદનીશ શિક્ષક, પલાસ, પ્રાથમિક શાળા તા.વાંકાનેર) રહે.હાલ ભાટીયા સોસાયટી ચંદ્રપુર વાંકાનેર મુળ રહે.વદ્રાડગામ તા.પ્રાંતીજ જી.સાબરકાંઠા અને અબ્દુલભાઇ અબ્રાહમભાઇ શેરીસીયા (સી.આર.સી.કોર્ડીનેટર, વાંકીયા, તા.વાંકાનેર) રહે.જોધપર તા.વાંકાનેર વિરુદ્ધ આઇપીસી કલમ. ૪૦૯,૪૬૫,૪૬૬,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦(બી) મુજબ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ આ ત્રણેય શિક્ષકો દ્વારા વાંકાનેર તાલુકા પંચાયત શિક્ષણ ખાતામા અલગ અલગ વિભાગમા સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા તે દરમ્યાન વર્ષ-૨૦૧૭-૧૮,૨૦૧૮-૧૯,૨૦૧૯-૨૦મા આરોપીઓએ એકબીજા સાથે મળીને પુર્વ યોજીત ગુનાહિત કાવતરૂ રચી પોતાના આર્થીક ફાયદા સારૂ સરકાર તરફથી મળતા કર્મચારીઓના પગાર બીલોની રકમ, આર.ટી.ઇ.સ્કુલ ફી રીમ્બર્સમેન્ટની રકમ, શિષ્યવૃતીની બચત ગ્રાન્ટ,સિલેકશન ગ્રાન્ટ,પ્રવાસી શિક્ષક ગ્રાન્ટ,ચિત્ર વ્યાયામ બચત ગ્રાન્ટ, શાળા સ્વચ્છતા ગ્રાન્ટ અને વિદ્યા લક્ષ્મી બોન્ડ ગ્રાન્ટના બીલોમા મુળ સરકારી બીલો ઉપરથી તેના જેવા ખોટા બનાવટી બિલો જાણી બુઝી બનાવી આ બીલો નિયમોનુસાર જેતે અધિકારીના સહી સિક્કા મેળવી બિલો મંજુર કરાવી સરકારી બીલોની મુળ રકમ કરતા વધારે રકમ વાળા બનાવટી બીલો ઉભા કરી તેમજ અમુક રકમ બીજા અન્ય બિલોમા રીપીટ કરી તે રીતે કુલે રૂ.૫૩,૧૫,૪૫૧ ના સરકારી નાણાની ઉચાપત કરી પોતાના અંગત ઉપયોગમા વપરાશમા લઇ તેમજ પોતાના તેમજ તેના સગા-સબંધીના મિત્ર વર્તુળના ખાતામા જમા કરાવ્યા હોવાનું જણાવ્યું હતું. હાલ વાંકાનેર સીટી પોલીસે આ ગંભીર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શિક્ષણ આલમ એવી ચર્ચા થઈ રહી છે કે આ પ્રકરણમાં મગરમચ્છને બચાવીને માછલીઓને પકડવાની કોશિશ થતી હોય તેવું લાગી રહ્યું છે.

આ સમાચારને શેર કરો