Placeholder canvas

વાંકાનેર: વરડુસરના ખેડૂત દંપતીની ઝેરી દવા પીઇને આત્મહત્યા

વાંકાનેર: વરડુંસર ગામે રહીને ખેત મજૂરી કરી પરિવારનુું ગુજરાન ચલાવતા દંપતીએ કોઇ અગમ્ય કારણસર રાજગઢ રોડ પર સરકારી ખરાબામાં જઇને સાથે જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટનાની જાણ થતાં લોકોએ સારવાર માટે ખસેડ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. જો કે બન્નેએ સારવારમાં દમ તોડી દેતાં તેમણે ક્યા કારણોસર આ અંતિમ પગલું ભરી લીધું એ જાણવા મળી શક્યું નથી.

મૂળ જામનગર જિલ્લાના ગઢડા ગામના વતની સોનલબેન રામુભાઇ ચૌહાણ તથા રામુભાઇ ગાંડુભાઈ ચૌહાણ પરિવાર સાથે હાલ વાંકાનેર તાલુકાના વરડુંસર ગામે સીમમાં રહી ખેત મજૂરી કરતા હતા. જે બન્નેએ સાંજે વરડુંસર રાજગઢ રોડ પર સરકારી ખરાબામાં સજોડે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બાદમાં બંને સારવાર માટે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા હતા.

આ બાબતે મૃતક દંપતીના પુત્ર ભરત સાથે વાતચીત થતાં તેમણે જણાવ્યું હતું કે અમે બે ભાઈ સિરામિક ફેકટરીમાં કામ કરીએ છીએ. માતા પિતાના ઘરે વરડુસરમાં કોઈ તકલીફ હતી જ નહિ, કે એવું પણ કોઈ કારણ હતું નહિ કે આવું અઘટિત પગલું ભરવું પડે. મારા માતા પિતાએ આવું શા માટે અને ક્યા કારણથી પગલું ભરી લીધું એ અમારી પણ સમજ બહાર છે. પોલીસે આ તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો