Placeholder canvas

સાયલા-રાજકોટ હાઇવે ઉપર કારનું ટાયર ફાટતા વૃદ્ધ દંપતિનું મોત: પાંચને ઇજા

સાયલા-રાજકોટ હાઈવે ઉપર વાનનું ટાયર ફાટતા ગાડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં વૃદ્ધ દંપતીનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં. રાજકોટ તરફથી આવતી ઇકો ગાડીનું સાયલા મોડલ સ્કૂલ પાસે પહોંચતા ટાયર ફાટયું હતું. જેથી ગાડી પલટી મારીને હાઇવે પરથી સાઈડમાં 10 ફૂટ ઉંડા ખાડામાં ખાબકી હતી.

અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા દરેકને બહાર કાઢવામાં આવ્યાં હતાં. ઈજાગ્રસ્તોને પ્રથમ સારવાર અર્થે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યાં હતાં. રીફર કરતાં સમયે રસ્તામાં નટવરભાઈ બાબુભાઈ મકવાણા (ઉં.વ.60) અને લતાબેન નટવરભાઈ મકવાણા(ઉં.વ.60)(બન્ને રહે. ધાંધલપુર)નું મૃત્યુ નિપજ્યું હતું. જેથી તેમને પીએમ અર્થે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે લઈ જવાયાં હતાં.

જ્યારે કંચનબેન ગેલાભાઈ મકવાણા (રહે. ધાંધલપુર), જેઠાભાઈ માત્રાભાઈ કલોત્રા (ઉં.વ.45,રહે. ભાડુકા), વિનયભાઈ ચાવડા (ઉં.વ.39, રહે.મુંબઈ), ઈશ્વરીબેન વિનયભાઈ ચાવડા (ઉં.વ.36,રહે.મુંબઈ) અને ધુ્રવ વિનયભાઈ ચાવડા (ઉં.વ.8,રહે. મુંબઈ)ને ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં હતાં. ઉલ્લેખનીય છે કે મૃતક વૃદ્ધ દંપતી ધાંધલપુર ગામેથી સાયલા આંખની હોસ્પિટલ ખાતે આંખ બતાવવા જઈ રહ્યાં હતાં

આ સમાચારને શેર કરો