Placeholder canvas

ઊંઝામાં ડુપ્લીકેટ જીરુની ફેક્ટરી ઝડપાઈ

ઊંઝા શહેર સહિત આજુબાજુના વિસ્તારમાં ભેળસેળની પ્રવૃત્તિ દિનપ્રતિદિન વધી રહી છે. જીરૂમાં આગ ઝરતી તેજીથી ભેળસેળ કરતા તત્વોને તગડી કમાણી કરવાની ફાવટ આવી ગઈ છે. ત્યારે ઊંઝા તાલુકાના મકતુપુર પાસેથી વરીયાળીમાં નકલી જીરૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. જેને લઈ ભેળસેળીયા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે.મળતી માહિતી મુજબ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ગાંધીનગર-પાટણના સંયુક્ત ઉપક્રમે ઊંઝા તાલુકાના મકતુપુર પાસેથી વરિયાળીમાંથી નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી.

મકતુપુર-સુણક રોડ પર આવેલ પટેલ મહેન્દ્ર મફતલાલ નામના ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રેડ કરી હતી. જેમાં 54 બોરીમાં 2700 કિલો નકલી જીરું મળી આવ્યું હતું. જેથી ગોડાઉનને સીઝ કરવામાં આવ્યું હતું. વરિયાળીના ભુસાને પ્રોસેસ કરી, વરિયાળી ઉપર કેમીકલ મિક્સ કરી અને ગોળનો ઢોળ ચડાવી નકલી જીરું બનાવાતું હતું. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ગાંધીનગરના કે.આર.પટેલે સેમ્પલ મેળવી લેબમાં ટેસ્ટ માટે મોકલી આપ્યા છે.

આ સમાચારને શેર કરો