Placeholder canvas

CMના મુખ્ય સલાહકાર બનેલા ડૉ.હસમુખ અઢિયાની જન્મભૂમિ વાંકાનેર છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મુખ્ય સલાહકાર અને સલાહકાર એમ બે નવી જગ્યાઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઊભી કરીને રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની આ જગ્યાએ નિમણૂક કરી છે. મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સલાહકાર તરીકે એસ.એસ.રાઠૌરને નિમાયા છે.

ડો. હસમુખ અઢિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. તેઓ ગુજરાત કેડરના 1981 બેચના IAS છે. તેઓ મોદી સરકારમાં મહેસૂલ સચિવ હતા, ત્યારબાદ તેમને નાણા મંત્રાલયના સૌથી મોટા અધિકારી (નાણા સચિવ) પણ બનાવવામાં આવ્યા હતા. GST અને નોટબંધીના અમલ પાછળ તેમનો મોટો હાથ માનવામાં આવે છે.

તેમણે ઘણા મહત્વના પદ પર કામ કર્યું હતું. તેઓ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં નાણા સચિવ અને પ્રિન્સિપલ સેક્રેટરી જેવા મહત્વના હોદ્દા પર હતા. તેઓ હાલમાં બેંક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર પણ છે. ડૉ. અઢિયા પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી અને ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ (GERMI) ના બોર્ડના વાઇસ ચેરમેન તરીકે અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, બેંગલોરના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય તરીકે સેવાઓ આપે છે.

ડો.અઢિયાનો નરેન્દ્ર મોદી સાથે ભેટો યોગ શિબિરમાં થયો હતો. તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. મુખ્યમંત્રી તરીકે તેમણે મંત્રીઓ, અધિકારીઓ માટે ચિંતન શિબિરની શરૂઆત કરી હતી. આવા જ એક શિબિરમાં તેમણે અઢિયાને ખૂબ સારી રીતે યોગઅભ્યાસ કરતા જોયા. મોદી એટલા પ્રભાવિત થયા કે તેમને યોગા મેન્ટર બનાવવામાં આવ્યા હતા. અઢિયાએ બેંગલોર સ્થિત સ્વામી વિવેકાનંદ યોગ વિશ્વવિદ્યાલયથી પીએચડી કરી છે.

નરેન્દ્ર મોદીએ અઢિયાની મદદથી યોગનો ઘણો પ્રચાર-પ્રસાર કર્યો. તેમણે ચિંતન શિબિરમાં યોગ ફરજિયાત કર્યો. ત્યારપછી જ્યારે તેઓ વડા પ્રધાન બન્યા, ત્યારે તેમણે પહેલ કરી અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં સફળ થયા.

સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર બનેલા ડો. હસમુખભાઈ અઢિયાનું જન્મ સ્થળ વાંકાનેર છે. તેમનું જન્મ સ્થળ વાંકાનેર છે એટલું જ નહીં પરંતુ તે વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલના વિદ્યાર્થી પણ છે. તેઓ મોટીવેશનલ સ્પીકર જીતેન્દ્ર અઢિયાના ભાઈ છે, આ બંને ભાઈએ વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલમાં અભ્યાસ કરેલ છે. હસમુખ અઢિયાના પિતાને વાંકાનેર રેલ્વે સ્ટેશનમાં સ્ટોલ હતો અને તેઓ વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં રહેતા હતા. હસમુખ અઢીયાના પુત્રના લગ્નની ફોટોગ્રાફી પણ વાંકાનેરના ભાટી એન.ના પુત્ર કેતન અને ગૌતમ (ભાટી સ્ટુડિયો) એ કરી હતી. હસમુખ અઢિયા આશરે આઠ-નવ વર્ષ પૂર્વે વાંકાનેરની મુલાકાતે આવ્યા હતા, તેઓ ભાટી એન.ના ઘરે બે ત્રણ કલાક રોકાયા હતા અને ભાટીભાઈએ તેમનું ઘર અને બીજા સંભારણા દેખાડ્યા હતા…

આ સમાચારને શેર કરો