skip to content

રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ : બંને ટ્રેક પર ટ્રેનો દોડવા લાગી.

રૂા.1.056 કરોડના પ્રોજેકટનું કામ પુરૂ થયું, હવે ટ્રેનમાં 30 મીનીટ અમદાવાદ વહેલા પહોંચશે મુસાફરો, હવે અમદાવાદથી રાજકોટ સુધી ટ્રેનો લંબાઈ શકશે: નવી ટ્રેનો મળવાની શકયતા

રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ચાલી રહેલી ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા આગામી દિવસોમાં રાજકોટ ડિવિઝનને નવી ટ્રેનો મળવાની સંભાવના છે, સાથે સૌરાષ્ટ્રવાસી મુસાફરોને દેશના અન્ય રાજયોને જોડતી રેલ સુવિધામાં વધારો થવાની શકયતા છે.

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રાજકોટ- સુરેન્દ્રનગર રેલ્વે લાઈનમાં છેલ્લા છ વર્ષથી ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા આ ડબલ ટ્રેકમાં ટ્રેનો દોડવા લાગી છે. 117 કિ.મી. રાજકોટ-સુરેન્દ્રનગર ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા હવે રાજકોટ-અમદાવાદ ડબલ ટ્રેક સાથે જોડાતા આગામી દિવસોમાં અમદાવાદથી ઉપડતી અન્ય રાજયોને જોડતી ટ્રેનો રાજકોટ સુધી લંબાઈ શકે છે આ ઉપરાંત રાજકોટને નવી ટ્રેનો મળવાની પણ શકયતા છે.

રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે રેલ્વે ટ્રેકની ઈલેકટ્રીક લાઈનની કામગીરી પણ વેગવંતી બનતા આ કામ જૂન સુધીમાં પૂર્ણ થવાની શકયતા છે. આગામી જુન માસથી રાજકોટને વધુ નવી ટ્રેનો મળવાની શકયતા છે. ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા રાજકોટ- અમદાવાદ વચ્ચે ટ્રેનો ઝડપથી પસાર થતા મુસાફરોનો સમય પણ બચશે. ક્રોસીંગની સમસ્યાનો અંત આવ્યો છે.

રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે સીંગલ ટ્રેકમાં ક્રોસીંગના લીધે ટ્રેનો થોભી જતી હતી. પરિણામે નિર્ધારીત સમય કરતા પણ ટ્રેનો મોડી પડતી હતી હવે ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા રેલ્વે ક્રોસીંગ સમસ્યાનો અંત આવતા રાજકોટ-અમદાવાદ વચ્ચે 25-30 મીનીટ ટ્રેનો વહેલી પહોંચશે. ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતાં આગામી સમયમાં રાજકોટ રેલવે સ્ટેશનમાં ટ્રેનોનું નવું સમયપત્રક બહાર પડશે. સાથે અમદાવાદથી અમુક ટ્રેનો રાજકોટ લંબાઈ શકે છે ઉપરાંત નવી ટ્રેનો મળે તેવી પણ સંભાવના છે.

આ સમાચારને શેર કરો