Placeholder canvas

વાંકાનેર-દેવદયામાં કાન-નાક-ગળાની રાહતદરે સુવિધાઓ આપતો વિભાગ શરૂ કરાયો

વાંકાનેર: બંધુસમાજ દવાશાળાનું સંચાલન વર્ષ ર૦૦૧ થી દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલન કરે છે, આ ટ્રસ્ટ સંચાલિત દેવદયા ડાયગ્નોસ્ટીક સેન્ટર (બંધુસમાજ દવાશાળા)માં કાન-નાક-ગળાના દર્દોના નિદાન, સારવાર તથા ઓપરેશન માટે રાહતદરની સુવિધાઓ પૂરી પાડતા નવા વિભાગનું દીપ પ્રાગટય કરીને ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું. આ વિભાગમાં મોરબીના ડો. સુરભિ અંબાણી (ઇએનટી સર્જન-ગોલ્ડ મેડાલીસ્ટ) પોતાની સેવાઓનો લાભ દર્દીઓને આપશે.

આ ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં મોરબીથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમક્ષેત્ર સંઘચાલકજી ડો. જયંતિભાઇ ભાડેશીયા, વાંકાનેરના સીનીયર ડોકટર એવા ડો. દાવરીયા, ડો. જે. એન. મહેતા, ડોે બાદી તથા ડો. કોઠારીના હસ્તે દીપપ્રાગટય કરવામાં આવ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ ર૦૦૧ થી રાહતભાવે ડેન્ટલ વિભાગ, ડીજીટલ એકસ-રે વિભાગ, કલીનીકલ લેબોરેટરી તથા ફિઝીયોથેરાપી વિભાગની સેવાઓ આપવામાં આવે છે. આ ઉપરાંત સુપર સ્પેશ્યાલીટી ધરાવતા વિઝીટીંગ ડોકટરોની સેવાઓ દર અઠવાડીયે વાંકાનેરના દર્દીઓને મળે છે. ડો. જયંતિભાઇ ભાડેશીયાએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે રાજા રંતિદેવના આદર્શ મુજબ ડોકટરોએ ભૌતિક સુવિધાઓ, ધનસંપતિની વધુ પડતી કામનામાં રત રહેવાને બદલે મનુષ્યમાત્રની સેવા કરવાનો અમૂલ્ય વ્યવસાય એવી તબીબી સેવાને જીવનમંત્ર બનાવી જરૂરીયાતમંદ તમામ પીડિત દર્દીઓની સેવા કરવાના સંકલ્પ સાથે તબીબી ક્ષેત્રમાં કામ કરવું જોઇએ.

દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી લલિતભાઇ મહેતા, ઉપપ્રમુખશ્રી અનંતભાઇ મહેતા અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પોતાની યાદીમાં ખાસ જણાવ્યુ હતુ કે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર અને આજુબાજુના ગામના લોકોને કાન-નાક-ગળાના દર્દોનું રાહત દરે નિદાન, સારવાર અને ઓપરેશનની સુવિધા આપવા માટે હંમેશા તત્પર છે. ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં વાંકાનેર નગર તથા તાલુકાના ડોકટરો અને બહારગામથી કિશોરભાઇ કોઠારી, અશોકભાઇ તથા રાજેશભાઇ ગાંધી અને અન્ય મહેમાનોએ પણ ખાસ હાજરી આપી હતી.

આ સમાચારને શેર કરો