Placeholder canvas

બે બસ વચ્ચે ચગદાઈ જતાં કોલેજીયન યુવકનું કમકમાટીભર્યું મોત

રાજકોટ: સૌરાષ્ટ્રના કેપિટલ રાજકોટનું એસટી બસપોર્ટ જીવલેણ બનતું જઈ રહ્યું છે. કરોડોના ખર્ચે બનેલ એસટી બસપોર્ટમાં બસ ઉભી રાખવાની જગ્યાના અભાવે બસપોર્ટના ગેઈટ પાસે અનેક બસના થપ્પા લાગતાં અનેક અકસ્માતો બને છે અને અનેક નિર્દોષ લોકોના ભોગ લેવાઈ છે.

ત્યારે આજે સવારે ગોંડલના ગુંદાળા ગામેથી બે મિત્રો દ્વારકા જવા રાજકોટ બસપોર્ટ આવ્યાં બાદ બસસ્ટેન્ડ બહાર જઈ ફરી અંદર આવતાં હતાં ત્યારે બસસ્ટેન્ડમાં થયેલ ટ્રાફિકના કારણે બસપોર્ટ બહાર ઉભેલી બે બસ વચ્ચેથી પસાર થતો 21 વર્ષીય યુવાન બે બસ વચ્ચે ચગદાઈ જતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલના ગુંદાળા ગામનો બ્રિજેશ સોહિલભાઈ સોલંકી (ઉ.વ.21) તે ગામમાં જ રહેતો તેનો મિત્ર ધવલ મેર સાથે દ્વારકા જવા માટે વ્હેલી સવારે જૂનાગઢ-રાજકોટ બસમાં સવાર થઈ રાજકોટ બસપોર્ટ પર પહોંચ્યા હતાં. બાદમાં બસપોર્ટ પર બસની લાઇન લાગતાં બસ બસપોર્ટની બહાર ઉભી રહેતાં બંને મિત્રો બહાર જ ઉતરી ગયાં હતાં.

બાદમાં ત્યાં પાંચથી વધું બસના થપ્પા લાગી ગયાં હતાં. જૂનાગઢ-રાજકોટ રૂટની બસ પાછળ પાલીતાણા-જામનગર રૂટની બસ ઉભી હતી. ત્યારે બંને મિત્ર બસપોર્ટમાં પ્રવેશ કરવા માટે આવતાં હતાં ત્યારે બ્રિજેશ બંને બસ વચ્ચેથી નીકળતો હતો ત્યારે જૂનાગઢ-રાજકોટ રૂટની બસના ચાલકે બસને આગળ વધારવા જતાં બસ પાછળ આવી હતી અને તેમની પાછળ ઉભેલી બસ વચ્ચે યુવાન દબાઈ ગયો હતો અને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ઘટનાસ્થળે એકઠાં થયેલ લોકોએ 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ની ટીમે હતભાગી યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જાણ થતાં એ. ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે મૃતકના પરિવારજનોને પણ જાણ કરી હતી.

વધુમાં મળેલ વિગત અનુસાર, મૃતક બે ભાઈમાં નાનો અને તેના પિતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કરે છે. તેમજ પોતે રાજકોટમાં આવેલ કોલેજમાં અભ્યાસ કરતો અને ગુંદાળા ગામેથી દરરોજ અપડાઉન કરતો હતો. આજે ફોટોગ્રાફીનું કામ કરતાં તેના મિત્રએ દ્વારકા ફોટોસેશન માટે જવાનું કહેતાં તે તેની સાથે દ્વારકા જવા નીકળ્યોને મોત મળ્યું હતું. બનાવથી મૃતકના પરિવારમાં આક્રંદ સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી.

ટ્રાફિકના કારણે અકસ્માત નથી થયો: વિભાગીય નિયામકનો લુલો બચાવ

એસટી બસપોર્ટ પાસે થયેલ જીવલેણ અકસ્માતમાં એક 23 વર્ષીય યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે રાજકોટ બસપોર્ટના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ લુલો બચાવ કરતાં જણાવ્યું હતું કે, બસપોર્ટના ગેઈટ પાસે ઉભેલી બે બસ વચ્ચેથી યુવાન પસાર થવા જતાં દુર્ઘટના ઘટી હતી અને મોતને ભેંટ્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ ટ્રાફિકના કારણે બનાવ ન થયો હોવાનું પણ લુલો બચાવ કરી કહ્યું કે, ત્યાંથી અંદર-બહાર નીકળવાની મનાઈ હોવાં છતાં યુવાન પસાર થયો ને બનાવ બન્યું હોવાનું શરમજનક નિવેદન આપ્યું હતું. જોકે હકીકતે બસ પોર્ટમાં ટ્રાફિક હોવાના કારણે જ અકસ્માતમાં નિમિત્ત બનેલ બેય બસો બહાર ઉભી રહી ગઈ હતી. બસ પોર્ટની અંદર ટ્રાફિક નિયંત્રિત કરવામાં એસટી તંત્ર વામણું સાબિત થઈ રહ્યું છે.

આ તરફ જે.બી.કલોતરાએ પોતે જ એસટી બસપોર્ટમાં જગ્યાનો અભાવ હોવાની કબૂલાત આપતાં જણાવ્યું હતું કે, બસપોર્ટમાં 22 પ્લેટફોર્મ છે. જ્યાં એક બસ બહાર નીકળે બાદમાં જ અન્ય બસ અંદર આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, એસટી બસપોર્ટમાં ટ્રાફિક થવાનાં કારણે અનેકવાર બસપોર્ટની બહાર બસના થપ્પા લાગી જાય છે અને શહેરના મેઈન રોડ પર જાણે કબ્જો કરી લીધો હોય તેવું ચિત્ર ઉપસી આવે છે અને મનઘડત ઉભી રહેતી બસના કારણે અનેકવાર જીવલેણ અકસ્માત પણ સર્જાઈ છે.

આ સમાચારને શેર કરો